'નેતા-નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ...' સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં મૂકાયેલા રિઝર્વેશન વિરોધમાં વિશાળ રેલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરત પાલિકાના કતારગામ વિસ્તારમાં ત્રણ ટીપી સ્કીમમાં આવેલા રહેણાંક સોસાયટી પર મુકવામાં આવેલા રિઝર્વેશન હટાવવા કોર્પોરેટરથી માંડીને મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સુધી અસરગ્રસ્તો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સંખ્યાબંધ રજૂઆત બાદ પણ રિઝર્વેશન હટ્યું નથી માત્ર આશ્વાસન મળ્યું છે, તેના કારણે અસરગ્રસ્તોની ધીરજ ખૂટી જતા આજે કતારગામ દરવાજાથી પાલિકા કચેરી સુધી વિશાળ રેલી કાઢી હતી.
'નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ લેવાયો'
આ રેલીમાં જોડાયેલા લોકોના હાથમાં 'રિઝર્વેશન હટાવો નહી તો મત ભુલાવી દઈશું', 'નેતા- નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ લેવાયો', 'પહેલા ન હતું રિઝર્વેશન તેથી અમે મિલકત ખરીદી હતી', જેવા બેનર સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળતો હતો.

પરિણામ નહીં માત્ર આશ્વાસન મળ્યું
છેલ્લા ત્રણેક વર્ષથી ટીપી સ્કીમ નંબર 49-50 અને 51ના રહેણાંક મિલકત અને સોસાયટીની વાડી તથા કોમન પ્લોટમાં મુકાયેલા રિઝર્વેશન મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અત્યાર સુધી અસરગ્રસ્તો અનેક જગ્યાએ રજૂઆત કરી આવ્યા છે પરંતુ પરિણામ નહીં માત્ર આશ્વાસન મળ્યું છે. જેથી આજે અસરગ્રસ્તોએ વિશાળ રેલીની જાહેરાત કરી હતી. પોતાના મકાન રિઝર્વેશનમાં જાય તેવી બીક અને આક્રોશ સાથે અનેક લોકો રેલીમાં જોડાયા હતા. આ અસરગ્રસ્તોની રેલીને કતારગામના અનેક સમાજનું પણ સમર્થન મળ્યું હતું, તેઓ પણ રેલીનો ભાગ બન્યા હતા.

રાજ્ય સરકારે રિઝર્વેશન દાખલ કરી દીધું
રેલીમાં જોડાયેલા અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, 'છેલ્લા ઘણા વર્ષોથી અસ્તિત્વમાં રહેલી રહેણાંક વસાહત સોસાયટીની વાડી, મકાન, ખુલ્લા પ્લોટો તેમજ રસ્તા પર કોઈ પણ સ્થળ તપાસ કર્યા વગર ઇરાદાપૂર્વક મનફાવે તે રીતે વર્ષો જૂની વસાહત પર રાજ્ય સરકારે રિઝર્વેશન દાખલ કરી દીધા છે, આ અંગે અનેક રજૂઆત કરી છે પરંતુ આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી.
ચૂંટણી બહિષ્કારની ચીમકી
રિઝર્વેશન હટાવવામાં નહી આવે તો ચૂંટણીનો બહિષ્કાર થશે તેવી ચીમકી સાથે આજે પાલિકા કચેરી ખાતે વિશાળ સંખ્યામાં અસરગ્રસ્તો પહોંચ્યા હતા, લોકોનો રોષ જોતાં આગામી ચૂંટણીમાં આ મુદ્દો શાસકો માટે આફતરૂપ બની શકે તેવી પણ ચર્ચા શરુ થઈ ગઈ છે.








