Get The App

પડતા પર પાટું : ટ્રમ્પના 50% ટેરિફથી સુરત-મુંબઈના હીરા ઉદ્યોગમાં બેરોજગારીનું સંકટ

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
પડતા પર પાટું : ટ્રમ્પના 50% ટેરિફથી સુરત-મુંબઈના હીરા ઉદ્યોગમાં બેરોજગારીનું સંકટ 1 - image

Image: AI



Surat-Mumbai Diamond Industry: સુરતની ઓળખ ગણાતા ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી હેઠળ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા અધધ...50 ટકા ટેરિફને પગલે સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર ગંભીર સંકટ ઊભું થયું છે. ઉદ્યોગકારોના મતે હાલ કારીગરોની અછત વર્તાય રહી છે ત્યાં વળી ઉદ્યોગ સાથે સંકળાયાલા રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભું થવા પામ્યું છે.

ટેરિફ ઘટવાના બદલે બમણો થઈ ગયો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત જુલાઈમાં ભારત ઉપર 25 ટકા ટેરિફની જાહેરાત કરતા સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે 1 ઓગસ્ટથી અમલીકરણની મુદ્દત લંબાવી હતી અને નવો ટેરિફ દર જાહેર કરશે એવું જણાવતા ઉદ્યોગકારોને રાહત થઈ હતી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ દર ઘટાડવાને બદલે ડબલ એટલે કે 25થી વધારીને 50 ટકા કરી દેવાયો છે. 

આ પણ વાંચોઃ સુરતમાં 16 વર્ષની ગુમ કિશોરીનો મૃતદેહ બાંધકામ સાઈટ પરથી મળ્યો, હત્યા કે આત્મહત્યાનું રહસ્ય અકબંધ

ખરીદીમાં થશે ઘટાડો

ભારત ઉપર લાદવામાં આવેલા ઉંચા ટેરિફને પગલે અમેરિકામાં ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે જેથી ખરીદીમાં ઘટાડો થશે અને ભારતમાંથી નિકાસ ઘટશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ડાયમંડ અને જ્વેલરી ઉપર 13.5 ટકા સુધીનો ટેરિફ હતો પરંતુ 1 ઓગસ્ટથી 25 ટકા અને ત્યારબાદ 50 ટકા કરી દેવામાં આવ્યો છે. 

ઊંચા ટેરિફથી નિકાસ સાથે રોજગારીને પણ અસર

અમેરિકામાં એક્સપોર્ટના વર્ષ 2022 થી 2024ના શરૂઆતના છ મહિનાના સમાન ત્રણ વર્ષના સરેરાશ આંકડા ઉપર નજર કરીએ તો 2968.48 મિલિયન ડૉલરથી ઘટીને 1494.11 મિલિયન ડૉલર થઈ ગયું છે. આ બાબત ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે, ઊંચા ટેરિફની અસરથી માત્ર નિકાસ નહીં પરંતુ રોજગારી ઉપર પણ અસર જોવા મળશે. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ડાયમંડ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. રત્નકલાકારો ઘર ચલાવવા માટે રોજગારીના અન્ય વિકલ્પ શોધી રહ્યા છે અને સંતાનોના અભ્યાસ માટે સરકારની સહાય ઉપર નિર્ભર છે. આવા સંજોગોમાં 50 ટકા ટેરિફના કારણે માત્ર સુરત જ નહીં પરંતુ મુંબઈના રત્નકલાકારની સાથે ડાયમંડ ઉદ્યોગ થકી રોજગારી મેળવનાર માટે મોટું સંકટ ઊભું થયું છે.

આ પણ વાંચોઃ ઉત્તરકાશી દુર્ઘટના: સેનાએ બનાસકાંઠાના 10, વડોદરાના 5 શ્રદ્ધાળુઓને રેસ્ક્યૂ કર્યા, હજુ 100 ગુમ

10માંથી 9 ડાયમંડ સુરતમાં બને છે

સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટે જણાવ્યું હતું કે, જે રીતે આપણા દેશમાં સોનું વ્યવહાર સાથે સંકળાયેલું છે એટલે કે શુભપ્રસંગથી લઈને ખુશીના પ્રસંગમાં સોનું ગિફ્ટમાં  આપવામાં આવે છે. આ ઉપરાંત લોકો રોકાણ માટે પણ સોનું ખરીદે છે. તેવી જ રીતે અમેરિકન નાગરિકોના વ્યવહારમાં ડાયમંડ છે. દુનિયાના 10 હીરામાંથી 9 હીરા સુરતમાં બનતા હોય અને ભારત એકમાત્ર એવો દેશ છે જે અમેરિકાને જોઈએ તેટલા પ્રમાણમાં ડાયમંડ પૂરો પાડી શકે છે. પરંતુ, હવે ઊંચા ટેરિફના કારણે રોજગારી ઉપર પણ તેની અસર દેખાશે.

કારીગરોની અછત

લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ જણાવ્યું હતું કે હાલ કારીગરોની અછત છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો હોવાથી કારખાનેદાર કારીગરોનો છૂટા કરવાનું ટાળશે. પરંતુ, જે કારીગરો છોડીને જઇ રહ્યા છે તે પરત આવતા નથી. જેથી નેચરલ ડાયમંડના કારીગરો લેબગ્રોન ડાયમંડમાં ડાયવર્ટ થઈ જાય તો રોજગારી મળી રહેશે. પરંતુ ઊંચા ટેરિફની અસર હાલ પૂરતી રોજગારી માટે અસર કરશે એવું જણાય છે.

Tags :