Get The App

ઉત્તરકાશી દુર્ઘટના: સેનાએ બનાસકાંઠાના 10, વડોદરાના 5 શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ કર્યા, હજુ 100 ગુમ

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તરકાશી દુર્ઘટના: સેનાએ બનાસકાંઠાના 10, વડોદરાના 5 શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ કર્યા, હજુ 100 ગુમ 1 - image

Image: IANS


Uttarkashi Cloudburst: છેલ્લાં ઘણાં દિવસોથી ઉત્તરાખંડમાંથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એવામાં મંગળવારે (5 ઓગસ્ટ) ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થયું હતું. આ સાથે નદીઓમાં ઘોડાપૂર આવતા વડોદરાના 5 પ્રવાસીઓ ત્યાં ફસાઇ ગયા હતા, જેને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. 

141 ગુજરાતી સહિત 409 પ્રવાસીનું રેસ્ક્યુ

મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાયું છે. ધરાલી ગામમાં વાદળ ફાટવા અને ખેર ગંગા નમદીમાં પૂર આવવાના કારણે લાખો ટન કાટમાળમાં આખેઆખું ગામ સમાઈ ગયું છે. જેમાં અનેક લોકો હજુ સુધી ગુમ છે. NDRF, SDRF સહિતના સુરક્ષા દળો છેલ્લાં કેટલાય કલાકોથી બચાવ કામગીરી કરી રહ્યા છે. જેમાં ગુજરાત સહિતના રાજ્યોમાંથી ઉત્તરાખંડ પ્રવાસે પહોંચેલા પ્રવાસીઓને બચાવવામાં આવી રહ્યા છે. હાલ સુરક્ષા દળો દ્વારા ગુજરાતના 141 સહિત કુલ 409 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો જાહેર, અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી

8 સૈનિક સહિત 100 નાગરિક ગુમ

સેનાના જણાવ્યા અનુસાર, રેસ્ક્યુ કરવામાં આવેલા લોકોમાંથી 119 લોકોને દેહરાદૂન એરલિફ્ટ કરાયા છે. જેમાંથી 13 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 2 નાગરિકોના મોતની પુષ્ટિ થઈ છે. જોકે, 14 રાજ રાઇફલ્સના 8 સૈનિક તેમજ 100 નાગરિક હજુ સુધી ગુમ છે. 


વડોદરાના પાંચ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ

કેદારનાથ પ્રવાસે ગયેલા વડોદરાના 5 પ્રવાસીઓ સાથે હરિદ્વારના ડ્રાઇવર સહિત 6 લોકો ગંગોત્રી ખાતે ફસાયા હતા. જેમાં પવન ચોટવાણી, હેમંત મલગાંવકર, ટ્વિંકલ શાહ, ચેતન ખટીક અને  જીનલ પટેલનો સમાવેશ થાય છે. તેઓ ગંગોત્રીના આર્મી કેમ્પ ખાતે હરિદ્વારના ડ્રાઇવર સાથે સુરક્ષિત હોવાની ટ્રાવેલ્સ કંપનીને જાણ કરી હતી. 

બનાસકાંઠાના પ્રવાસીઓને સેનાએ બચાવ્યા

આ સિવાય ધરાલીમાં વાદળ ફાટવાના કારણે ફસાયેલા બનાસકાંઠાના 10 તીર્થ યાત્રીઓને પણ સેનાએ સુરક્ષિત બચાવી લીધા છે. મળતી માહિતી મુજબ, યાત્રાળુઓ બનાસકાંઠાના ભાભરના ચિચોદરા ગામના નિવાસી છે, જે ધાર્મિક યાત્રા માટે ઉત્તરાખંડ ગયા હતા. 5 ઓગસ્ટે વાદળ ફાટવાની દુર્ઘટનાને પગલે તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. સતત બે દિવસ સુધી સંપર્ક ન થવાના કારણે પરિવારની ચિંતા વધી હતી. જોકે, 7 ઓગસ્ટે બપોરે નેટવર્ક મળતા પરિવાર સાથે વાત થઈ હતી, ત્યારબાદ પરિવારને જીવમાં જીવ આવ્યો. 

આ પણ વાંચોઃ ભરતીના નિયમોમાં ફેરફાર કરતાં કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગે રદ્દ કરી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાએ 11માંથી 10 યાત્રાળુઓને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી ઋષિકેશ પહોંચાડ્યા છે. હવે તેઓ બનાસકાંઠા પરત ફરશે. જોકે, આ તીર્થયાત્રીમાંથે એક વ્યક્તિએ સ્વેચ્છાએ પોતાની યાત્રા શરૂ રાખવાનો નિર્ણય લીધો છે. 

ભૂસ્ખલનના કારણે હાલાકી

રાજ્ય સરકારે 141 પ્રવાસીઓને પરત લાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા અનેક રસ્તા બંધ થઈ ગયા છે, તેથી પરત આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, આજે વહેલી સવારે વડોદરાના પાંચ પ્રવાસીઓ સહિત કુલ 6 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી સલમાત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.

Tags :