Gujarat

'સ્માર્ટ સિટી' સુરત બન્યું 'લેક સિટી', પુણા સહિતના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, સ્થાનિકોનો તંત્ર સામે રોષ

By GS TEAM
24 Jun 20254 mins read
TukuTouch Logo
સુરત શહેર છેલ્લા બે દિવસથી જળબંબાકાર થઈ ગયું છે. 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારબાદ આજે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં ખાડી પૂરથી અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયાં છે. સુરતના અનેક વિસ્તાર બેટ અને તળાવમાં ફેરવાઇ જતાં કોંગ્રેસે આજે પુણા વિસ્તારમાં અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે સુરતને 'સ્માર્ટ સીટી'ને બદલે લેક સીટી બનાવવા માટે કટાક્ષમાં આભાર દર્શન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

'સ્માર્ટ સિટી' સુરત બન્યું 'લેક સિટી', પુણા સહિતના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, સ્થાનિકોનો તંત્ર સામે રોષ

Surat Rain : સુરત શહેર છેલ્લા બે દિવસથી જળબંબાકાર થઈ ગયું છે. 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારબાદ આજે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં ખાડી પૂરથી અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયાં છે. સુરતના અનેક વિસ્તાર બેટ અને તળાવમાં ફેરવાઇ જતાં કોંગ્રેસે આજે પૂણા વિસ્તારમાં અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે સુરતને 'સ્માર્ટ સીટી'ને બદલે લેક સીટી બનાવવા માટે કટાક્ષમાં આભાર દર્શન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 


સુરતમાં છેલ્લા બે દિવસથી આકાશમાંથી આફત વરસી રહી છે અને તેના કારણે શહેરના મોટાભાગના વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે. સોમવારે માંડ પાણી ઉતર્યા ત્યાં ગત રાત્રીથી ભારે વરસાદ સાથે જિલ્લામાં પડેલા વરસાદના કારણે લિંબાયત, વરાછા પાલનપોર, મોટા વરાછા, યોગીચોક અને અઠવા ઝોનના ખાડી કિનારાના વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. છેલ્લા બે દિવસથી સુરતીઓના હાલ ખરાબ છે લોકો ત્રસ્ત છે. ત્યારે પૂણા કોંગ્રેસ દ્વારા આજે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 


પૂણા કોંગ્રેસના નેતાઓ એ સ્થાનિક લોકોને સાથે રાખીને પૂણાગામ વિસ્તારમાં વિવિધ જગ્યાઓ ઉપર પોસ્ટર સાથે સુરત શહેરને સ્માર્ટ સીટી બનાવવાના બદલે લેક સીટી બનાવવા બદલ શાસકોનો આભાર વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં વરસાદી આફતથી ત્રાસેલા લોકો પણ જોડાયા હતા.

આ પણ વાંચો: દ્વારકા, ભાવનગર અને વડોદરા સહિત 8 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ, સુરતમાં 24 કલાકમાં 13 ઈંચ વરસાદ

ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો

પાલનપોર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો હોવાની વ્યાપક ફરિયાદ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ફરિયાદ કરતાં કહે છે, પાલ સીએનજી પમ્પથી પાલનપોર કેનાલ રોડ વિસ્તારમાં વોક વે બનાવ્યો છે.  આ વોક વે કરતાં આસપાસની સોસાયટી ઘણી નીચી છે અને વોક વેની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય નિકાલ નથી. તેથી આ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાલિકાને અનેક ફરિયાદ કર્યા છતાં પણ  ફરિયાદ સાંભળવામાં આવી ન હતી અને રાત્રિ દરમિયાન તથા વહેલી સવારે પણ પાણીનો ભરાવો થયો છે. પાલનપોર વિસ્તારથી અડાજણ, તથા શહેરમાં જવા માટે આ મુખ્ય માર્ગ છે પરંતુ આજે પણ ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો.

સરકારી સ્કૂલોમાં રજા જાહેર

સુરત શહેરમાં બીજા દિવસે પણ ધમાકેદાર વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી આજે પણ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં રજા જાહેર થઈ છે, જ્યારે બપોરની પાણીમાં સ્થિતિ મુજબ નિર્ણય કરવા માટે સૂચના આપવામાં આવી છે. 

આ પણ વાંચો: Gujarat Rain : સુરતમાં 13.6 ઇંચ વરસાદથી જળબંબાકાર, 24 કલાકમાં 170 તાલુકામાં મેઘ મહેર

વિદ્યાર્થીઓ સહિત 102 અસરગ્રસ્તોને રેસ્કયુ કરાયા

આજે સુરતના પૂણા વિસ્તારના સરથાણા જકાતનાકા ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા(હોસ્ટેલ સાથેની સ્કુલ)માં વહેલી સવારે પાણી ભરાતા તત્કાલ સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગ ટીમ દ્વારા બોટની મદદથી 87 વિદ્યાર્થીઓ અને 15 સ્ટાફગણ મળીને કુલ 102 અસરગ્રસ્તોને સલામત રીતે રેસ્કયુ કરાયા હતા. તેઓને સરથાણા ગામની શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

સુરત શહેરમાં 13 ઇંચ અને કામરેજમાં 11 ઇંચ વરસાદ

છેલ્લાં 24 કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 11 ઇંચ અને પલસાણા તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 


આજે ફરી સુરતમાં મેઘમહેર

આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  જ્યારે તાપીના વ્યારામાં 3.98 ઇંચ, વાપીમાં 3.94 ઇંચ, તાપીના સોનગઢમાં 3.54 ઇંચ, ઉમરાપાડામાં 3.03 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 2.99 ઇંચ, નર્મદાના દેડિયાપાડા 2.91 ઇંચ, સુરતના મહુવામાં 2.91 ઇંચ, નર્મદાના નાંદોદમાં 2.76 ઇંચ, સુરતના માંડવીમાં 2.48 ઇંચ, સુરત શહેરમાં 2.2 ઇંચ અને સુરતના કામરેજમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે  10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો: સુરતમાં વરસાદી પાણી બાદ હવે ખાડી પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા, જાણો કેવી છે સ્થિતિ


24 જૂનની આગાહી

24 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહેવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, ભરુચ, વડોદરા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

25થી 29 જૂનની આગાહી

25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપૂર અને 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપૂર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ છે. 27 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપૂર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે. જ્યારે 28-29 જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.