સુરતમાં સતત બીજા દિવસે વરસાદની ધમાકેદાર બેટિંગ, તમામ સરકારી સ્કૂલોમાં રજા જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain : સુરત શહેરમાં બીજા દિવસે પણ ધમાકેદાર વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી આજે પણ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં રજા જાહેર થઈ છે, જ્યારે બપોરની પાણીમાં સ્થિતિ મુજબ નિર્ણય કરવા માટે સૂચના આપવામાં આવી છે.
સુરતમાં સોમવારે પડેલા અનરાધાર વરસાદને કારણે મિની પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. જેના કારણે સુરત પાલિકા સંચાલિત તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે અચાનક જાહેર થયેલી રજા બાદ વિદ્યાર્થીઓને સ્કૂલેથી ઘરે લઈ જવા અફરાતફરીનો માહોલ થયો હતો.
આ પણ વાંચો: Gujarat Rain : સુરતમાં 13.6 ઇંચ વરસાદથી જળબંબાકાર, 24 કલાકમાં 170 તાલુકામાં મેઘ મહેર

સતત બીજા દિવસે સુરતના પાલનપોર, મોટા વરાછા, યોગીચોક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. જેના કારણે આજે વહેલી સવારથી જ લોકો પાણી ભરાવાના કારણે ત્રાહિમામ થઈ ઉઠ્યા હતા.
સોમવારે સુરત શહેરમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરતના કામરેજમાં 10.7 ઇંચ, પલાસણામાં 8.2 ઇંચ, ઓલપાડમાં 5.0 ઇંચ, રાસીમાં 4.3 ઇંચ, અને માંગરોળમાં 3.1 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો પાલિકાએ મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા હતા તે ઉતરી ગયાનો દાવો કર્યો હતો. પરંતુ પાલનપોર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો હોવાની વ્યાપક ફરિયાદ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ફરિયાદ કરતાં કહે છે, પાલ સીએનજી પમ્પથી પાલનપોર કેનાલ રોડ વિસ્તારમાં વોક વે બનાવ્યો છે.
આ વોક વે કરતાં આસપાસની સોસાયટી ઘણી નીચી છે અને વોક વેની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય નિકાલ નથી. તેથી આ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાલિકાને અનેક ફરિયાદ કર્યા છતાં પણ ફરિયાદ સાંભળવામાં આવી ન હતી અને રાત્રિ દરમિયાન તથા વહેલી સવારે પણ પાણીનો ભરાવો થયો છે. પાલનપોર વિસ્તારથી અડાજણ, તથા શહેરમાં જવા માટે આ મુખ્ય માર્ગ છે પરંતુ આજે પણ ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો.
આ પણ વાંચો: સુરતમાં વરસાદી પાણી બાદ હવે ખાડી પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા, જાણો કેવી છે સ્થિતિ
આવી જ રીતે મોટા વરાછા, સિમાડા અને પૂણાગામ વિસ્તારમાં પણ આજે સવારે પાણીનો ભરાવો જેવા મળ્યો હતો. પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને આજે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત બે દિવસથી આ વિસ્તારમાં પાણીનો ભરાવો છે તેમ છતાં પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ સમસ્યાનો કાયમી હલ આવે તે માટે પાલિકા તંત્ર પાસે લોકો માંગણી કરી રહ્યા છે.

સરથાણાની આદર્શ નિવાસી શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ સહિત 102 અસરગ્રસ્તોને રેસ્કયુ કરાયા
આજે સુરતના પુણા વિસ્તારના સરથાણા જકાતનાકા ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા(હોસ્ટેલ સાથેની સ્કુલ)માં વહેલી સવારે પાણી ભરાતા તત્કાલ સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગ ટીમ દ્વારા બોટની મદદથી 87 વિદ્યાર્થીઓ અને 15 સ્ટાફગણ મળીને કુલ 102 અસરગ્રસ્તોને સલામત રીતે રેસ્કયુ કરાયા હતા. તેઓને સરથાણા ગામની શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.









