શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત

Accident: શિરડીના સાંઈબાબાના દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના સાત યુવકોને નાસિક નજીક એક ભયાનક અકસ્માત નડ્યો છે. નાસિક જિલ્લાના યેવલા તાલુકાથી પસાર થતા સમયે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં ત્રણ યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય ચાર યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ પણ વાંચોઃ અમરેલીમાં માછલી પકડતા સમયે ત્રણ સગા ભાઈ સહિત 4 યુવકો ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો
ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર પલટી
પ્રાથમિક માહિતી અનુસાર, સુરતના સાત ભક્તો દર્શન કરીને નાસિકથી સુરત પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નાસિકના યેવલા તાલુકાથી પસાર થતા દરમિયાન ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે ગાડી રસ્તાની બાજુમાં ધસી ગઈ અને પલટી મારી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં, જ્યારે પાંચ અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નાસિક ખસેડવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં સારવાર મળે તે પહેલા જ અન્ય એક યુવકનું મૃત્યુ થયું, જેના કારણે મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.
ચાર ઈજાગ્રસ્ત, બેની સ્થિતિ ગંભીર
હાલ, બાકીના ચાર ઈજાગ્રસ્તોને નાસિકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બે યુવકોની સ્થિતિ અત્યંત ગંભીર છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણયઃ હવે ડિજિટલ સહીવાળા જન્મ-મરણ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે
પોલીસ દ્વારા CCTV ફૂટેજની તપાસ
સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, વાહન ખૂબ જ સ્પીડમાં હતું, જેના કારણે ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું હોવાની શક્યતા છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મંગાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

