સુરતમાં સમલૈંગિક લોકોને ફસાવી પૈસા પડાવવાનું કૌભાંડ, બે યુવકની ધરપકડ
Surat News: સુરતમાં છેલ્લા ઘણાં સમયથી ઠગ ટોળકી ગે ડેટિંગ એપ દ્વારા સમલૈંગિક લોકો સાથે છેતરપિંડી કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી એક વાર ત્રણ શખસોએ એક રત્નકલાકારને ગે ડેટિંગ એપ પર ચેટિંગ કર્યા બાદ મળવા બોલાવીને રોકડ રૂપિયા, ફોન અને બાઈક પડાવી લીધી હતી. જો કે, આ મામલે પીડિતની ફરિયાદના આધારે વરાછા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામમાં રહેતા 29 વર્ષીય રત્નકલાકાર યુવકે ગે ડેટિંગ એપ દ્વારા મિત્રો બનાવીને વાતચીત કરતો હતો. આ દરમિયાન તે અજાણ્યા યુવકના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે મેસેજમાં વાતચીત કરતો હતો. અજાણ્યા યુવકે 18મી ઓગસ્ટના રોજ રત્નકલાકારને મેસેજ કરીને વરાછા મારુતિ ચોક પાસે મળવા બોલાવ્યો હતો. જ્યાં બાઈક લઈને રત્નકલાકાર પહોચતા તેને એક યુવકે ચપ્પુ બતાવીને નજીકમાં આવેલી ગલીમાં ચોથા માળે લઇ જવાયો હતો, જ્યાં અન્ય બે અજાણ્યા ઈસમો પણ હાજર હતા. આરોપીઓએ રત્નકલાકારને ધમકીઓ આપી 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
આ પણ વાંચો: ભ્રષ્ટાચારના પાયા પર બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ, વધુ 4 કરોડનું આંધણ
રત્નકલાકારે પૈસા ના હોવાનું જણાવતા તેનો વીડિયો ઉતારી વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપી માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ રત્નકલાકારના મોબાઈલ ફોનમાંથી 5 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. તેમજ મોબાઈલ ફોન પણ લઇ લીધો હતો અને તેની 80 હજારની કિમંતની બાઈક લઈને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસે બે આરોપીની ધરપકડ કરી
આ સમગ્ર મામલે રત્નકલાકાર યુવકે વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી અર્શીત સાખંટ અને દીપેન રાઠોડની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અર્શિત સામે વરાછા પોલીસ મથકમાં અગાઉ હત્યાનો ગુનો પણ વર્ષ 2024માં નોંધાયેલો છે તેમજ આરોપી દીપેન સામે જૂનાગઢ માળિયા હાટીના પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે.