ભ્રષ્ટાચારના પાયા પર બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ, વધુ 4 કરોડનું આંધણ
Hatkeshwar Bridge Ahmedabad : અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયેલા હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલા આ બ્રિજનું બાંધકામ અત્યંત નબળું હોવાથી તેને તોડવાનો નિર્ણય લેવાયો હતો. જેસીબી મશીનો દ્વારા વહેલી સવારથી જ બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
4 કરોડના ખર્ચે બ્રિજ તોડાશે
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરી વર્ષ 2015માં શરૂ કરાઈ હતી અને વર્ષ 2017માં જાહેર જનતા માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, બ્રિજની ગુણવત્તાને લઈને ઉઠેલા સવાલો બાદ તેને બંધ કરાયો હતો. AMCએ અલગ-અલગ સંસ્થાઓ પાસે બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ કરાવ્યા બાદ હલકી કક્ષાનો પુરવાર થયો હતો. અંતે તેને તોડી પાડવાનો નિર્ણય કરાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ બ્રિજને તોડવા માટે 4 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજને તબક્કાવાર રીતે તોડવામાં આવશે અને આખી કામગીરી પૂર્ણ થતાં અંદાજે 6 મહિના જેટલો સમય લાગી શકે છે. આ કામગીરીથી વાહનચાલકોને થોડી મુશ્કેલી શકે છે, પરંતુ નવો અને સુરક્ષિત બ્રિજ બનાવવા માટે આ પગલું જરૂરી હતું.
42 કરોડનો ખર્ચ છતાં બ્રિજ બિસ્માર
42 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ માત્ર ગણતરીના વર્ષોમાં જ બિસ્માર હાલતમાં આવી ગયો હતો. તેનું નબળું બાંધકામ સામે આવતાં તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજને 'છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ' તરીકે પણ નામ આપવામાં આવ્યું હતું.