Get The App

સુરતમાં રત્નકલાકારના પરિવારનો સામૂહિક આપઘાત, હીરામાં મંદી અને બેંકના દબાણથી કંટાળી ભર્યું પગલું

Updated: Mar 8th, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં રત્નકલાકારના પરિવારનો સામૂહિક આપઘાત, હીરામાં મંદી અને બેંકના દબાણથી કંટાળી ભર્યું પગલું 1 - image


Surat Mass Suicide: સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે (7 માર્ચ) શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે. આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર ડૉક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતાં.

આ પણ વાંચોઃ ગંદકી કરતાં લોકોના પાડો ફોટા અને મેળવો ગિફ્ટ... એપ્રિલમાં લોન્ચ થશે 'અમદાવાદ કેમ' એપ

હીરામાં મંદી અને લેણદારોથી કંટાળી જીવન ટૂંકાવ્યું

પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ, પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં જોડાયેલા હતાં. પરંતુ, હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું. પરિવારે થોડા સમય પહેલાં ફ્લેટ લીધો હતો. જેના ચાર હપ્તા ચડી ગયા હતાં. રોજગાર છીનવાઈ જવાના કારણે ફ્લેટ બીજાને વેચાણ આપીને અન્ય જગ્યાએથી પણ પૈસા ઉધાર લીધા હતાં. આ તમામ આર્થિક સંકડામણમાં ફસાઈ જવાના કારણે ભરતભાઇ સસાંગિયા (પુત્ર), વનિતા સસાંગિયા (પત્ની) અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના..! થર્ડ યરના 3 ઈન્ટર્નને માર માર્યો, 8 સિનિયરોનું કૃત્ય

સુસાઈડ નોટમાં પરિવારને હેરાન કરનારાના નામ પણ લખવામાં આવ્યા

સમગ્ર મામલે જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ દરમિયાન તેમને સુસાઇડ નોટ મળી હતી. આ સુસાઇડ નોટમાં પરિવારને પરેશાન કરતાં અનેક લોકોના નામ પણ લખવામાં આવ્યા છે. આ સિવાય પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી છે. સુસાઇડ નોટ તેમજ આસપાસના લોકો સાથે પૂછપરછ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં રત્નકલાકારના પરિવારનો સામૂહિક આપઘાત, હીરામાં મંદી અને બેંકના દબાણથી કંટાળી ભર્યું પગલું 2 - image

પોલીસ અધિકારીએ શું કહ્યું?

એસીપી ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે અમરોલી પોલીસ મથકમાં પારુલબેન જયંતીભાઈ કેશુભાઈ સસાંગિયાએ જાહેરાત આપી હતી કે એમના સબંધી પરિવાર સાથે C-202 એન્ટેલિયામાં રહે છે. જ્યાં હર્ષ ભરતભાઈ સસાંગિયા, વનિતાબેન ભરતભાઈ સસાંગિયા અને ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા એમ માતા-પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પીને આત્મહત્યા કરી લીધી છે. ગત 7 તારીખે રાત્રીના આશરે 12 વાગ્યાની આસપાસ આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને તેઓને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં મૃત જાહેર કર્યા હતા.

પોલીસે હાથ ધરી તપાસ

આ બનાવની વિગત એવી છે કે આ પરિવારે પોતાનો ફ્લેટ બીજાને વેચાણે આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા અને એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ પર લોન હતી. લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું, જે વેચાણે લેનાર પાર્ટીને ખબર ન હતી, એમને ખબર પડી એટલે આમની પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા. બેંકનું પ્રેશર હતું અને બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઈડ નોટ લખી પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે અમરોલી પોલીસ વધુ તપાસ કરી રહી છે. 

વધુમાં જણાવ્યું હતું કે હર્ષ ભરતભાઈ સસાંગિયા બેંકનું લોનનું કામકાજ કરતા હતા અને એમના પિતા સિક્યુરિટીનું કામ કરતા હતા જયારે માતા હાઉસ વાઈફ હતા.


Tags :