Get The App

ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના..! થર્ડ યરના 3 ઈન્ટર્નને માર માર્યો, 8 સિનિયરોનું કૃત્ય

Updated: Mar 8th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના..! થર્ડ યરના 3 ઈન્ટર્નને માર માર્યો, 8 સિનિયરોનું કૃત્ય 1 - image


Bhavnagar raging News |  ભાવનગરની મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્ન ડોક્ટર્સને સાથે અભ્યાસ કરતા ઈન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત 8  લોકોએ જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને ના બોલે તો બેહોશ થાય ત્યાં સુધી માર માર્યાની ગંભીર ફરિયાદ મેડિકલ કોલેજના ડિન સુધી પહોંચતા ચકચાર મચી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરને સારવાર માટે સર ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાવની પ્રાથમિક વિગત એવી છે કે, ભાવનગરની મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે ઈન્ટર્ન ડોક્ટર્સને ગત રાત્રિના મેડિકલ કોલેજ નજીકના સર્કલ પાસેથી બે કારમાં બેસાડીને હિલડ્રાઈવ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથેના 4 ઈન્ટર્ન સહ અધ્યાયી તથા બે સિનિયર તબીબ અને બહારના અન્ય બે શખ્સો દ્વારા તેમની પાસે જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને જો ના બોલે તો માર મારતા હતા. જયારે પીડિત ઈન્ટર્નને સવાલો પુછવામાં આવતા હતા. અને જો તે ખોટા જવાબ આપે તો પણ માર મારતા હતા.

ઉપરાંત કેફી દ્રવ્યો બનાવતા તથા તેનું પરાણે સેવન કરવાનું કહી માર માર્યા બાદ રાત્રિના 3 કલાકે હોસ્ટેલે લાવી તેના અન્ય સાથી ઈન્ટર્ન ડોક્ટરને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.  ઘટના બાદ ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરે આ બાબતની જાણ કોલેજને તંત્રને કરતા મેડિકલ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરની ફરિયાદ લઈને તેમને સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે  દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ આ મામલે એમએલસી નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

આ તરફ મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે મારામારીના બનાવને સમર્થન આપતા મેડિકલ કોલેજના ડીન સુશીલ ઝાએ જણાવ્યું હતું કે, મારામારીનો બનાવ બન્યાની ફરિયાદ આવી છે. આવતીકાલ શનિવારે રેગિંગ કમિટિની બેઠક મળશે અને તેમાં થનારા નિર્ણય અંગે આગળની થતી કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે, મેડિકલ કોલેજના કોન્વોકેશનના આયોજનને લઈને વિદ્યાર્થીઓના જૂથ પડી ગયા હતા અને તેના કારણે આ બનાવ બન્યો હતો, જોકે મારામારીનું સાચું કારણ પોલીસ ફરિયાદ બાદ જ જાણવા મળી શકશે. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. 

Tags :