સુરત બેઠક પરથી કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું, જાણો સમગ્ર મામલો
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે. ભાજપના ચૂંટણી એજન્ટે ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો હતો. ગાયબ થયેલા ચારેય ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરવાનો નિર્ણય કરાયો છે. તો કોંગ્રેસ હવે ગુજરાતમાં 23 બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની વાત રાખી હતી, ત્યારે હવે ચૂંટણી અધિકારી અને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ગઈકાલે (શનિવાર) ચૂંટણી વિભાગ દ્વારા ઉમેદવારી પત્રની ચકાસણી શરૂ કરાઈ હતી. ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી કે નિલેશ કુંભાણીના ફોર્મમાં ત્રણેય ટેકેદારની સહી ખોટી છે, આ સાથે તેમના ડમી ઉમેદવારના ટેકેદારની સહીઓ પણ ખોટી છે. જોકે ત્યારબાદ ટેકેદારોએ પણ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને પોતાની સહી ખોટી હોવાનું સોગંદનામું કર્યું હતું. પછી તમામ ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. જેને લઈને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીને ફોર્મ રદ કરવું કે નહીં તે અંગે શો-કોઝ નોટિસ પાઠવી હતી. ત્યારબાદ નિલેશ કુંભાણી અને તેના વકીલ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન કોંગ્રેસે વધુ એક દિવસનો સમય માંગ્યો હતો, જેથી ચૂંટણી અધિકારીએ આજે (રવિવાર) સુનાવણી કરી હતી. જે દરમિયાન ગાયબ થયેલા ચારેય ટેકેદારો હાજર ન થતા સુરત જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું છે. બીજી તરફ આ નિર્ણયના વિરોધમાં કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી છે.
- નિલેશ કુંભાણીના ટેકેદાર : 1. જગદીશ સાવલિયા (બનેવી), 2. ધ્રુવીન ધામેલીયા(ભાગીદાર), 3. રમેશ પોલરા (ભાગીદાર)
- ડમી ઉમેદવાર સુરેશ પડસાળાના ટેકેદાર : 1. ભૌતિક કોલડીયા (કુંભાણીનો ભાણિયો)
ચારેય ટેકેદારોનું અપહરણ થયું : બાબુ માંગુકિયા
નિલેશ કુંભાણીના મામલે સુરત ક્લેક્ટર કચેરી ખાતે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે અગાઉ બાબુ માંગુકિયાએ નિલેશ કુંભાણીના બચાવામાં રજૂઆત કરતા કહ્યું હતું કે અમારા ચારેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ અસલમ સાયકલવાલાએ કુંભાણીએ ટિકિટનો સોદો કર્યો છે તેવો આરોપ લગાવ્યો હતો.
શનિવારે દિનેશ જોધાણીએ વાંધો રજૂ કર્યો હતો
સુરત લોકસભા બેઠક માટે ભરાયેલા ફોર્મ માટે શનિવારે સવારે 11 કલાકે શરૂ થયેલી સ્ક્રુટિની દરમિયાન ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો રજૂ કર્યો હતો કે, મારી માહિતી પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારની દરખાસ્ત કરનારા જેન્યુઇન નથી. તે અંગે કોંગ્રેસના ચૂંટણી એજન્ટ ભૌતિક કોલડીયાને જાણ કરાઇ હતી. અને બપોરે 1 વાગ્યે સુનાવણી રખાઇ હતી. 18 એપ્રિલે ફોર્મ ભરનાર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં દરખાસ્ત કરનાર તરીકે સહી કરનારા રમેશભાઇ બાવચંદભાઇ પોલરા, જગદીશ નાનજીભાઇ સાવલીયા, ધુ્રવિન ધીરુભાઇ ધામેલિયાએ ચૂંટણી અધિકારી સમક્ષ રૃબરૃ હાજર થઇને જણાવ્યું હતું કે, ઉમેદવારના ફોર્મમાં તેમણે સહી કરી નથી કે ફોર્મ ભરતી વખતે રૂબરૂ આવ્યા નથી. આ અંગે તેમણે સોગંદનામું પણ કર્યુ હતું.
પોલીસે પત્રકારોને પણ ધક્કે ચડાવ્યા
આજે સુરત ક્લેક્ટર કચેરી ખાતે પોલીસે ચૂસ્ત બદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ સુરત ક્લેકટર કચેરી ખાતે નિલેશ કુંભાણીના મામલે કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ સાથે પોલીસે ગેરવર્તણૂક કરીને કવરેજ કરવાથી દૂર રાખવા અને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કી કરી છે.