Get The App

અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ 1 - image


Traffic Diversion in Ahmedabad: દિવાળીના પર્વની શરૂઆત વચ્ચે જ અમદાવાદના કાંકરિયા ખાતે આજે (શનિવારે) સાંજે એક ખાનગી કલબમાં યોજાનારા કાર્યક્રમના પગલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના હજારો નાગરિકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કાર્યક્રમ સાંજે શરૂ થવાનો હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને સવારથી જ કાંકરિયા લેકફ્રન્ટની તમામ મનોરંજન પ્રવૃત્તિઓ બંધ રાખવાની જાહેરાત કરી છે, જેના કારણે ઝૂ, નોકટરનલ ઝૂ, કિડઝ સિટી સહિતના સ્થળોની મુલાકાત લેવા આવેલા મુલાકાતીઓને નિરાશ થવું પડ્યું છે. અમદાવાદમાં કાંકરિયા અને તેની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે. જે આજે (11 ઓક્ટોબર) ના રોજ બપોરે 3:00 વાગ્યાથી લઈને  રાત્રે 2:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.

દિવાળીના દિવસોમાં જ લેકફ્રન્ટ બંધ

કોર્પોરેશનના નિર્ણય મુજબ, દિવાળીના તહેવારની શરૂઆતમાં જ કાંકરિયા લેકફ્રન્ટ ખાતેના ઝૂ, નોકટરનલ ઝૂ, કિડઝ સિટી, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક સહિતની તમામ પ્રવૃત્તિઓ આજે બંધ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં જ આ સ્થળોની 6.73 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી અને કોર્પોરેશનને રૂ.2.58 કરોડની આવક થઈ હતી. પર્વના સમયે આ જાહેર સ્થળ બંધ કરાતા સ્થાનિકો અને મુલાકાતીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, મુખ્ય કાર્યક્રમ સાંજે શરૂ થવાનો હોવાથી બપોર સુધી તો લેકફ્રન્ટ અને રસ્તાઓ ખુલ્લા રાખી શકાયા હોત.

ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું: આ રસ્તાઓ બંધ

બોલીવુડના કલાકારોની હાજરીવાળા આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને કેટલાક માર્ગો પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે.
અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ 2 - image
અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ 3 - image

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગો

રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારી અને કાંકરીયા ગેટ નં.3 તરફનો માર્ગ

વાણીજ્ય ભવન ચાર રસ્તાથી પારસી અગિયારી ત્રણ રસ્તા તરફનો માર્ગ

પારસી અગિયારી ત્રણ રસ્તા થી વાણીજ્ય ભવન ચાર રસ્તા તરફનો માર્ગ

અણુવ્રત સર્કલથી કાંકરીયા ગેટ નં.3 થી ફુટબોલ ગ્રાઉન્ડ તરફનો માર્ગ

ફુટબોલ ગ્રાઉન્ડથી કાંકરીયા ગેટ નં.3-અણુવ્રત સર્કલ તરફનો માર્ગ

વૈકલ્પિક રૂટ જાહેર

વાણિજ્ય ભવનથી મણિનગર અને ખોખરા તરફનો રસ્તો ચાલુ રહેશે.

વાણિજ્ય ભવનથી ન્યુ ક્લોથ થઈને રાયપુર જઈ શકાશે.

પારસી અગિયારીથી ફુટબોલ ગ્રાઉન્ડનો રસ્તો ચાલુ રહેશે.

અપ્સરા સિનેમાથી ઝીરાફ સર્કલ તરફ જઈ શકાશે.

AMTSની 183 બસના રૂટ ડાયવર્ટ કરાયા

કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા 28 રૂટ પર દોડતી કુલ 183 બસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારીથી વ્યાયામ વિદ્યાલય સુધી, શાહઆલમ ટોલનાકાથી પુષ્પકુંજ સુધી અને ન્યુ કલોથ ચાર રસ્તાથી વાણિજયભવન, અણુવ્રત સર્કલ સુધીના રૂટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અધિકારીઓ સ્ટેન્ડ ટુ, હોર્ડિંગ્સ-બેનર દૂર કરાયા

ફાયર વિભાગને પણ આ કાર્યક્રમ માટે બપોરના 2 કલાકથી રાત્રિના 12 કલાક સુધી ચાર ફાયર ફાઈટર અને પાંચ અધિકારીઓ સાથે સમારોહ સ્થળે સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા વિવિધ રસ્તાઓ પરથી 292 હોર્ડિંગ્સ, બોર્ડ, બેનર દૂર કરવાની સાથે 82 જાહેરાતો પણ દૂર કરવામાં આવી છે.

Tags :