સુરતમાં ભાઈ બીજના દિવસે જ બનેવીએ કરી સાળાની હત્યા, નજીવી બાબતમાં ગુસ્સે થવું ભારે પડ્યું

Surat Crime News: સુરતમાં સાળા-બનેવીના પવિત્ર સંબંધોને કલંક લગાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાઈબીજના પવિત્ર દિવસે જ બનેવીએ પોતાના સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં ભાણીને મારવા બાબતે સાળાએ બનેવીને ટકોર કરતાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર મૃતક સુરેશ રાઠોડે બનેવી લાલા વસાવાને તેમની ભાણી (લાલા વસાવાની દીકરી)ને મારવા બાબતે ટકોર કરી હતી, જે બનેવીને માઠું લાગ્યું હતું. આ મામલે ઉશ્કેરાયેલા બનેવી લાલા વસાવાએ સાળા સુરેશ રાઠોડના માથામાં બોથડ વસ્તુ વડે હુમલો કર્યો હતો, જેના કારણે સુરેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ આરોપી બનેવી લાલા વસાવા ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: અમરેલી: લીલીયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો, નશાની હાલતમાં પહોંચેલો પોલીસકર્મી સસ્પેન્ડ
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને પરિવારજનોના નિવેદન લીધા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી લાલા વસાવાની અટકાયત કરી લીધી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

