અમરેલી: લીલીયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો, નશાની હાલતમાં પહોંચેલો પોલીસકર્મી સસ્પેન્ડ

Amreli Group Clash News: અમરેલી જિલ્લાના લીલીયા નજીક આવેલા સલડી ગામે દિવાળીની રાત્રે થયેલી જૂથ અથડામણના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ જૂથ અથડામણ વખતે સલડી ગામે નશાની હાલતમાં એક પોલીસકર્મી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.
નશાની હાલતમાં પોલીસકર્મી ભાગ્યો, વીડિયો થયો વાયરલ
પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધરાજસિંહ જાડેજા નામનો પોલીસ કર્મી નશાની હાલતમાં સલડી ગામે પહોંચ્યો હતો. અથડામણની ઘટના વચ્ચે પોલીસકર્મી નશામાં હોવાની જાણ થતાં જ સ્થાનિકો લોકોએ વિરોધ કર્યો હતો. પીધેલો પોલીસ હોવાનું કહેતા જ પોલીસ કર્મી સિદ્ધરાજસિંહ જાડેજા સ્થળ પરથી ભાગી ગયો હતો. નશાની હાલતમાં પોલીસ કર્મી સલડી ગામમાંથી ભાગી રહ્યો હોવાનો વીડિયો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે બાદમાં વાયરલ થયો હતો.
એસ.પી.એ લીધા પગલા, પોલીસકર્મી સસ્પેન્ડ
પોલીસ કર્મીના ભાગતો વીડિયો વાયરલ થયા બાદ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે તાત્કાલિક પગલા ભર્યા છે. અમરેલી એસ.પી.એ સિદ્ધરાજસિંહ જાડેજા ઘટના સ્થળેથી ભાગી જવાની અને નશાની હાલતમાં ફરજ પર હોવાની ગંભીર બેદરકારી બદલ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.
આ પણ વાંચો: અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત
જૂથ અથડામણના સ્થળે નશાની હાલતમાં પોલીસકર્મીની હાજરી અને ત્યાંથી ભાગી જવાની ઘટનાએ પોલીસ વિભાગની કાર્ય પદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે. જોકે, એસ.પી. દ્વારા તાત્કાલિક પગલા લેવાતા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે.
શું હતી ઘટના?
અમરેલીના સલડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલા મનદુઃખે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બંને જૂથના મળીને 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બંને પક્ષોએ સામસામે એકબીજા પર પાઇપ અને ધોકા વડે માર માર્યા હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
જૂથ અથડામણના બનાવ બાદ મોડી રાત્રે લીલીયા પોલીસ મથકે બંને પક્ષોના લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું. ઘટનાની જાણ થતાં અમરેલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા બંને ટોળાને સમજાવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં પોલીસે ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

