VIDEO: યુવકની આત્મા હોસ્પિટલમાં ભટકે છે કહી પરિજનો ભૂવો લઈ આવ્યા, ધૂણીને કરાવ્યો ગૃહપ્રવેશ: દાહોદનો ચોંકાવનારો કિસ્સો

Dahod News: દાહોદમાં અંધશ્રદ્ધાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના એક યુવકનું દાહોદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યાર બાદ યુવકના પરિજનોને એવો વહેમ થયો કે, તેમના મૃતકની આત્મા હોસ્પિટલમાં ભટકી રહી છે અને તે ઘરે આવવા માટે તડપી રહ્યો છે.
આદિવાસી પરંપરા મુજબ ‘વિધિ’ કરાઈ
આ માન્યતા પછી પરિવાર તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યો અને છેવટે આત્માને ઘરે લાવવા માટે આદિવાસી પરંપરા મુજબ ‘ગાતલા વિધિ’ કરવામાં આવી. પરિવારના સભ્યો ભૂવાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની બહાર ધૂણતા ધૂણતા, પૂજા પાઠ કરતા અને તંત્ર મંત્રના જાપ કરતા દેખાયા. આખી વિધિ બાદ આત્માનો ‘ગૃહપ્રવેશ’ કરાવવામાં આવ્યો હતો. આ ‘ગાતલા વિધિ’ મુજબ, મૃતકના આત્માને પૂજા સાથે ઘરે લઈ જવાનું માનવામાં આવે છે, જેથી આત્માને શાંતિ મળે. આ ઘટનાએ વિસ્તારમાં ફરી એકવાર ચર્ચા જગાવી છે. દાહોદની હોસ્પિટલમાં આ વિધિ દરમિયાન સામાન્ય લોકો સહિત તબીબો પણ ચોંકી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે.
આ પણ વાંચો: ધારી પોલીસની દાદાગીરી: સામાન્ય બોલાચાલીમાં યુવકોને જાહેરમાં ઢોરમાર મારતો વીડિયો વાઈરલ
વિજ્ઞાન જાથાના ચેરમેને કરી નિંદા
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ ઘટનાની કડક નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, વિજ્ઞાનના યુગમાં આવી અંધશ્રદ્ધા અસ્વીકાર્ય છે. તેમણે તાંત્રિક તથા વિધિ કરનાર પરિવાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે, નવા એક્ટ મુજબ બંને પક્ષો વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ.

