VIDEO: ધારી પોલીસે અસામાજિક તત્ત્વોને પાઠ ભણાવ્યો, કોઇએ બિરદાવ્યા તો કોઇએ ટીકા કરી

Dhari Police Video Viral: દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે ધારીમાં સામાન્ય બાબતે થયેલી માથાકૂટ અને તેના પગલે ફેલાયેલી અરાજકતાના મામલે ધારી પોલીસે કડક કાર્યવાહી કરી છે. કાયદો હાથમાં લેનાર અસામાજિક તત્ત્વોને પોલીસે જાહેરમાં સબક શીખવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. જોકે, પોલીસની આ કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતાં સમગ્ર સમાજમાં તેના પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
મામલો શું હતો?
પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળીના સમયગાળા દરમિયાન ધારીના જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલા ફટાકડા બજારમાં કાકા અને ભત્રીજી પર હુમલો થયો હતો. સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ માથાકૂટ થઈ હતી. આ અસામાજિક તત્ત્વોએ કાયદો અને વ્યવસ્થાની પરવાહ કર્યા વિના ધારીમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા, ધારી પોલીસે બંને આરોપી યુવકોની અટકાયત કરી હતી.
પોલીસે જાહેરમાં ચખાડ્યો 'મેથીપાક'અટકાયત બાદ પોલીસે આ યુવકોને ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, આ સાથે જાહેરમાં 'મેથીપાક' ચખાડી કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. આ કાર્યવાહી દ્વારા પોલીસે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર અન્ય અસામાજિક તત્ત્વોને કડક સંદેશો આપ્યો હતો. પોલીસે બતાવી દીધું છે કે જાહેર શાંતિનો ભંગ કરનાર કે અરાજકતા ફેલાવનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.
વાયરલ વીડિયો પર જનતાના બે મત
પોલીસ કાર્યવાહીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જનતા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.કેટલાક લોકો પોલીસની કાર્યવાહીને યોગ્ય અને ઉદાહરણરૂપ ગણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે આવા રીઢા ગુનેગારોને જો પાઠ ભણાવ્યા વિના છોડી દેવાય તો તેઓ ભવિષ્યમાં વધુ ગંભીર ગુનો આચરી શકે છે. આ પ્રકારની કડક કાર્યવાહીથી અસામાજિક તત્ત્વો કાયદો હાથમાં લેતાં પહેલાં સો વાર વિચાર કરશે. બીજી તરફ, કેટલાક લોકો આ કાર્યવાહીને માનવ અધિકારની વિરુદ્ધ ગણાવી રહ્યા છે. કેટલાક ટીકાકારોએ આ ઘટનાને 'કીડીને કોષનો ડામ દેવા સમાન' ગણાવી રોષ વ્યક્ત કર્યો છે. જોકે, મોટા ભાગના સ્થાનિકોએ શહેરમાં શાંતિ જાળવવા માટે ધારી પોલીસની કડક કામગીરીને બિરદાવી છે.

