વીજ બિલમાં લોકડાઉન સમયગાળાનો વિલંબિત ચાર્જ રદ કરવા રજૂઆત
સુરત, તા.16 જુલાઇ, 2020, ગુરૃવાર
લોકડાઉનના સમયગાળામાં સરકારની ગાઈડલાઈન મુજબ તા.30મી મે સુધી વીજ બીલ ભરવા અંગે રાહત આપી છે, તેમ છતાં વીજ કંપનીએ જે કારખાનેદારોએ તા. 30 મી પછી બિલો ભર્યા છે, તેઓ પાસે વિલંબિત ચાર્જ ફટકાર્યો હોઇ, આ ચાર્જ રદ કરવાની માંગ સુરત વીવર્સ એસો.એ મૂકી છે.
અત્યારે ઉદ્યોગ એક પાળીમાં ચાલી રહ્યો છે. કાપડ માર્કેટ બંધ થઈ રહી હોવાથી કારખાનેદારોને માલનો સંગ્રહ કરવાની ફરજ પડી છે. કાપડની પડતર પ્રતિ મીટર બે રૃપિયા ઊંચી આવી રહી છે. લોકોની રોજગારી યથાવત ચાલતી રહે અને પરિવારનું પોષણ ભરણપોષણ પણ ચાલતું રહે તે હેતુથી વીજદર પ્રતિ યુનિટે એક રૃપિયો ઘટાડવામાં આવે એવી માંગ કરી છે.
કાપડ ઉદ્યોગ લોક ડાઉન બાદ ફરીથી ધમધમતો કરીને અર્થતંત્રને મજબૂત બનાવવા તથા લોકોને રોજગારી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેવા સંજોગોમાં કોરોના સંક્રમણ વધતું જાય છે. કલેકટર કચેરીને એક આવેદનપત્ર આપીને સુરત વિવર્સ એસો.એ રાજ્ય સરકારનું ધ્યાન દોરવા અરજ કરી છે.