લોકડાઉનને પગલે મોકૂફ રહેલી JEE અને NEET પરીક્ષાના ફોર્મ માં વિદ્યાર્થીઓ સુધારો કરી શકશે
- 14મી એપ્રિલથી ફોર્મમાં ઓનલાઇન સુધારો થઈ શકશે
- નીટના સિલેબસમાં કોઇ ફેરફાર થયો નથી, વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય : NTA
અમદાવાદ, તા. 6 એપ્રિલ 2020 સોમવાર
ઇજનેરીમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન પરીક્ષા મને મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષા લોકડાઉનને પગલે મોકૂફ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની સૂચનાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મમાં સુધારો કરવા માટેની અંતિમ તક આપવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ વિદ્યાર્થીઓ 14 એપ્રિલના રોજ સાંજના પાંચ વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મમાં સુધારો કરી શકશે.
એપ્રિલમાં લેવાનાર બીજા તબક્કાની જે ઇમેલ પરીક્ષા પાંચ, સાત, નવ એપ્રિલના રોજ લેવાનાર હતી તેમજ મેડીકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષા ત્રીજી મેના રોજ યોજાનાર હતી પરંતુ કોરોના વાઈરસને પગલે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરતાં બંને પરીક્ષાઓ મોકૂફ રાખી દેવામાં આવી છે.
આ ઉપરાંત નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પબ્લિક સર્ક્યુલર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે નીટ પરીક્ષાના સિલેબસમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી સિલેબસ ફેરફારની બાબત ખોટી છે અને વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય. ટેસ્ટીંગ એજન્સી દ્વારા માત્ર નીટના સિલેબસને વિદ્યાર્થીઓની જાણકારી માટે ફરીથી લીંક સાથે ઓનલાઈન મૂકવામાં આવ્યો હતો.