વડોદરા શિક્ષણ સમિતિના 16 સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા બાંગ્લાદેશ જશે
- બાંગ્લાદેશમાં તારીખ 17થી 22 સુધી સેકન્ડ કોમ્યુનિટી બેઝડ સ્કાઉટ કેમ્પ યોજાશે
- બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના કેમ્પનું ઉદ્ઘાટન કરશે
વડોદરા, તા. 11 ફેબ્રુઆરી 2020 મંગળવાર
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાંથી ભારતનું પ્રતિનિધિત્વ કરવા 8 બોયઝ સ્કાઉટ અને 8 ગર્લ્સ સ્કાઉટ મળી કુલ 16 સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ સ્કાઉટ માસ્ટર અને ગાઈડ કેપ્ટન સાથે બાંગ્લાદેશ જશે. શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને શાસનાધિકારીના જણાવ્યા મુજબ આ વિદ્યાર્થીઓ તારીખ 14ના રોજ હાવરા એક્સપ્રેસ ટ્રેન દ્વારા રવાના થશે.
શિક્ષણ સમિતિના ઇતિહાસમાં પ્રથમ વખત સ્કાઉટ ગાઈડ વિદેશ જઈ રહ્યા છે. બાંગ્લાદેશ ખાતે તારીખ 17 થી 22 સુધી બીજો કોમ્યુનિટી બેઝ કેમ્પ સબરંગ ટુરીઝમ પાર્ક ખાતે યોજાવાનો છે. જેનું ઉદ્ઘાટન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના કરશે. આ કેમ્પમાં બધા સ્કાઉટ અને ગાઇડ પાસે કોમ્યુનિટી આધારિત પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.
વિવિધ દેશના સ્કાઉટના વિદ્યાર્થીઓ આ પ્રસંગે પોતાના દેશની ઝાંખી રજૂ કરશે. વડોદરાના વિદ્યાર્થીઓ પણ ભારતની ઝાંખી દર્શાવશે. કેમ્પ દરમિયાન દરિયાકિનારે તંબુઓમાં રોકાણ કરવાનું રહેશે. સબરંગનો દરિયા કિનારો દુનિયામાં સૌથી લાંબો કિનારો છે.
સબરંગનો દરિયા કિનારો ઢાકાથી આઠ કલાકના પ્રવાસના અંતરે આવેલો છે. સ્કાઉટના બાળકો સાથે સમિતિના એક શિક્ષક અને શિક્ષિકા પણ જશે વડોદરા ના વિદ્યાર્થીઓ બાંગ્લાદેશને એક મોમેન્ટો પણ આપશે. ઇન્ડિયાના લોકો સાથે આ વિદ્યાર્થીઓને ખાસ યુનિફોર્મ આપવામાં આવ્યા છે.
સ્કાઉટ ગાઈડ એ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ છે. જે વિશ્વના 216 દેશોમાં ચાલે છે. ભારતમાં 7 નવેમ્બર 1950થી તેની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારે તારીખ 22 ફેબ્રુઆરીને શાળાઓમાં સ્કાઉટ ગાઈડ દિવસ તરીકે ઉજવવા પરિપત્રથી જાણ કરેલી છે.
સ્કાઉટ ગાઈડમાં ડિસિપ્લિન, સેવા, સહકાર, સંપ, ચારિત્ર ઘડતર, સાહસ, સ્વદેશ પ્રેમ, સંગઠન જેવા ગુણોનું ઘડતર કરવામાં આવે છે. સ્કાઉટ દ્વારા બાળકોને પ્રાથમિક ઉપચાર દિશાઓનું જ્ઞાન અજાણ્યા પ્રાંતોમાં રહેવા જમવાનું હોય તો પોતાના માટે ભોજનની વ્યવસ્થા કરવી જંગલમાં રહેવું વગેરે જેવી જાણકારી આપવામાં આવે છે.