સેવન્થ ડે સ્કૂલ જેવી ગુજરાતમાં વધુ એક ઘટના: બાસાસિનોરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુના ઘા ઝીંક્યા, હોસ્પિટલ ખસેડાયો
Mahisagar News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8માં વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા મામલે હોબાળો ચાલી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં વધુ એક આવી જ ઘટના બની છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં તળાવ પાસેની એક સરકારી શાળામાં પણ વિદ્યાર્થી પર વિદ્યાર્થી દ્વારા હુમલાની ઘટના સામે આવી છે.
શાળા છૂટ્યા બાદ સાંજે 5 વાગ્યે વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ધોરણ 8માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. એક વિદ્યાર્થીઓએ બીજાને નાના ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. જેમાં વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બંને વિદ્યાર્થી એક જ કોમના છે. જો કે, બાલાસિનોર પોલીસ ઘટનાના પગલે દોડતી થઈ છે.
પીડિત વિદ્યાર્થીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે કહેતો સાંભળવા મળી રહ્યો છે કે, એણે મને લાફો માર્યો એટલે હું તેને સામે લાફો મારવા જઈ રહ્યો હતો. પછી એણે મને સ્કૂલના ગેટ પાસે પકડી રાખ્યો અને ચપ્પુના ઘા મારી દીધા.
આ પણ વાંચો: ગુજરાતના 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદની શાળામાં શું બની હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.