'મહેરબાની કરીને અમને સલાહ ના આપો, અમારે સાથ સહકાર જોઈએ', આર.પી. પટેલનું મોટું નિવેદન
બધી સંસ્થાનું એક પ્લેટફોર્મ બને તેવી ભાવના છે : આર.પી. પટેલ
Image : Screen Grab |
Gujarat News: મહેસાણા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં નીતિન પટેલે શીખામણ આપતા નેતાઓને ટોણો મારીને માર્મિક ટકોર કરી હતી. ત્યારે પાટીદાર અગ્રણી આર.પી પટેલે પણ નીતિન પટેલના સૂરમાં સૂર પુરાવતા સલાહ આપનાર નેતાને આડે હાથ લીધા હતા. પહેલા નીતિન પટેલ અને પછી આર.પી પટેલના નિવેદનથી સવાલ ઉભો થયો છે કે શું પાટીદાર સમાજમાં આંતરિક ડખો ચાલી રહ્યો છે?
નીતિન પટેલના નિવેદન પર આર.પી પટેલે સૂરમાં સૂર પુરાવ્યા
મહેસાણા ખાતેના કાર્યક્રમમાં દરમિયાન નીતિન પટેલે જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને નેતાઓને ટોણો મારતા કહ્યું હતું કે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા. તેમણે સલાહ આપનારને આડે હાથ લઈને કહ્યું કે 'જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે.' આવા નેતાઓએ સલાહ આપવાનું બંધ કરી દેવું જોઈએ. નીતિન પટેલના આ નિવેદન પર આર.પી પટેલે પણ સૂરમાં સૂર પુરાવતા કહ્યું હતું કે 'મહેરબાની કરીને અમને સલાહ ના આપો, અમારે સાથ સહકાર જોઈએ, અમને સલાહ આપતા પહેલા તે પોતાનું ભલું કરે.'
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા
આ ઉપરાંત આર.પી. પટેલે કહ્યું હતું કે બધી સંસ્થાનું એક પ્લેટફોર્મ બને તેવી ભાવના છે. જો કે બંને પાટીદાર નેતાઓને કોની સલાહ ગમતી નથી, કોણ સલાહ આપે છે અને કોના પર નિશાન તાક્યાં છે તેવા અનેક પ્રશ્નનો ઉભા થાય છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા.