SIR Voter List: ગુજરાતમાં હાલ ચાલી રહેલા 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) કાર્યક્રમમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનો દાવો ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, 'થાનનું ગૌરવ અને વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે કોઈ અજાણ્યા શખસો દ્વારા ફોર્મ નંબર-07 ભરી દેવામાં આવ્યું છે.'
શું છે ઋત્વિક મકવાણાનો ગંભીર દાવો?
ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પુરાવા સાથે દાવો કર્યો છે કે, 'SIRની કામગીરીના બહાને વિરોધ પક્ષના સમર્થકો અથવા તટસ્થ લોકોના નામ મતદાર યાદીમાંથી જાણીજોઈને કમી કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પદ્મશ્રીનું નામ નિશાના પર: શાહબુદ્દીન રાઠોડ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિનું નામ રદ કરવા માટે ફોર્મ ભરાવું તે વહીવટી તંત્ર અને ભાજપની આયોજનબદ્ધ બેદરકારી અથવા કુચેષ્ટા દર્શાવે છે. જો પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુરક્ષિત ન હોય, તો સામાન્ય નાગરિકોના મત આપવાના અધિકારનું શું થશે તેવો પ્રશ્ન તેમણે ઊઠાવ્યો છે.'
ફોર્મ નંબર 07 અને વિવાદ
ચૂંટણી પંચના નિયમ મુજબ, ફોર્મ નંબર 07 કોઈ વ્યક્તિનું નામ યાદીમાંથી રદ કરવા અથવા વાંધો ઉઠાવવા માટે ભરવામાં આવે છે. ઋત્વિક મકવાણાના મતે, આ ફોર્મ કોઈના ઇશારે ભરીને પાયા વગરના કારણોસર નામો કમી કરવામાં આવી રહ્યા છે. તેમણે આ બાબતને લોકશાહીની ગરિમા વિરુદ્ધની ગણાવી છે. આ આક્ષેપો બાદ સ્થાનિક ચૂંટણી તંત્ર અને કલેક્ટર કચેરીની ભૂમિકા સામે પણ આંગળી ચીંધવામાં આવી રહી છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં નહીં આવે અને ગેરરીતિઓ બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.


