ભણતરનો ભાર! ચોપડા સહિતની સ્ટેશનરી 10થી 25% સુધી મોંઘી થઈ, વાલીઓ ચિંતિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stationery Prices Surge up to 25% in Gujarat: ઈંધણ, રાશન અને ખાણીપીણીની ચીજો બાદ હવે બાળકોના ભણતર પર પણ મોંઘવારીની મોટી અસર પડી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ નોટબુક, ચોપડા, લંચ બોક્સ, કંપાસ બોક્સ, વોટર બોટલ, પેન અને પેન્સિલ સહિતની સ્ટેશનરીના ભાવમાં 10%થી 25% સુધીનો તોતિંગ વધારો થયો છે. આ વધારાના કારણે વાલીઓએ હવે દરેક વસ્તુ પાછળ સરેરાશ 50થી 200 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે. જો કોઈ વાલી પોતાના બાળક માટે આવી માત્ર પાંચ વસ્તુઓ પણ ખરીદે, તો તેમનું બજેટ સીધું 1,000 રૂપિયા જેટલું વધી જાય છે, જેના કારણે સામાન્ય પરિવારો માટે શિક્ષણનો ખર્ચ ઉઠાવવો ભારે પડી રહ્યો છે.
પ્લાસ્ટિક અને કાગળના ભાવ વધતા મુશ્કેલી વધી
અમદાવાદના સ્ટેશનરી બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, દુનિયાભરમાં ચાલી રહેલા તણાવને કારણે પ્લાસ્ટિકના ભાવમાં 25% જેટલો વધારો થયો છે. આ કારણે પ્લાસ્ટિકમાંથી બનતા લંચ બોક્સ, વોટર બોટલ અને કંપાસ બોક્સ ખૂબ મોંઘા થઈ ગયા છે. આ સિવાય પુસ્તકો પર ચડાવવામાં આવતા પ્લાસ્ટિક કવરના ભાવમાં 40% અને ખાખી કવરના ભાવમાં 25%નો વધારો ઝીંકાયો છે. બીજી તરફ, કાગળની કિંમતો વધવાના કારણે નોટબુક અને ચોપડાના ભાવ પણ 10% જેટલા વધી ગયા છે, જેના લીધે વાલીઓ પર આર્થિક બોજો વધ્યો છે.
મોંઘવારી પાછળ કરન્સી કનેક્શન
સૂત્રોના જણાવ્યા મુજબ, સ્ટેશનરીની કેટલીક ફેન્સી વસ્તુઓ તેમજ કાચો માલ-સામાન ચીનથી આવે છે. બાદમાં દિલ્હી, મુંબઈ થઈને અમદાવાદ આવે છે. ત્યારે ચીનના યુઆન સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય ગગડતું હોવાથી ત્યાંથી આવતી વસ્તુઓ મોંઘી થઈ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી
ગુજરાતમાં સ્ટેશનરીની 4,000 દુકાનોને તાળા લાગી ગયા
આજકાલ મોટા ભાગે શાળાઓમાંથી જ ફરજિયાત બાળકોને પુસ્તકો સહિતની સ્ટેશનરી કિટ આપી દેવાય છે અથવા તો નક્કી દુકાનમાંથી ખરીદીની ફરજ પડાય છે. જેથી સ્ટેશનરી બજારનો ધંધો પડી ભાંગ્યો છે. ફેડરેશન ઓફ બૂક્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પણ સ્ટેશનરીની દુકાનોની સંખ્યા 12,000થી ઘટીને 8,000 થઈ ગઈ છે, એટલે 4,000 દુકાનોને કાયમ માટે તાળા વાગી ગયા છે.










