Gujarat

રાજ્ય GST વિભાગે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ ઝડપ્યું, નટરાજ ઇન્ડસ્ટ્રીઝના અજયકુમાર શાહની ધરપકડ

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સ્ટેટ GST વિભાગે રાજ્યમાં કાગળ પર ઇન્વોઇસ બનાવી કરોડોની કરચોરી કરતા 11 બોગસ પેઢીઓનું કૌભાંડ ઝડપ્યું છે. નટરાજ ઇન્ડસ્ટ્રીઝના અજય શાહે રૂ. 21.49 કરોડની નકલી ITC મેળવી સરકારને ચૂનો ચોપડતા તેમની ધરપકડ કરાઈ છે. કુલ રૂ. 79.45 કરોડથી વધુની વેરાકીય જવાબદારી નિશ્ચિત કરાઈ છે. ફોરેન્સિક તપાસમાં વધુ ખુલાસાની સંભાવના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્ય GST વિભાગે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ ઝડપ્યું, નટરાજ ઇન્ડસ્ટ્રીઝના અજયકુમાર શાહની ધરપકડ
ફાઈલ તસવીર

Gujarat Natraj Industries GST Fraud: વાસ્તવિક માલસામાનના વેચાણ કે હેરફેર વિના માત્ર કાગળ પર ઇન્વોઇસ બનાવીને કરોડોની કરચોરી આચરતા એક સુનિયોજિત જાળનો ગુજરાત સ્ટેટ GST વિભાગે પર્દાફાશ કર્યો છે. સમગ્ર રાજ્યમાં એકસાથે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન 11 જેટલી શંકાસ્પદ અને બોગસ પેઢીઓ ઝડપાઈ છે, જેમના દ્વારા સરકારને કરોડોનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ અને દસ્તાવેજી પુરાવાઓને આધારે વિભાગે અત્યાર સુધીમાં રૂ. 79.45 કરોડથી વધુની વેરાકીય જવાબદારી નિશ્ચિત કરી છે.

નટરાજ ઇન્ડસ્ટ્રીઝના અજય શાહની રૂ. 21.49 કરોડની ગેરરીતિમાં ધરપકડ

તપાસમાં સામે આવ્યું છે કે મેસર્સ નટરાજ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને મેસર્સ નટરાજ મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં ભાગીદારી ધરાવતા અજયકુમાર સત્યનારાયણ શાહની મુખ્ય ભૂમિકા ઉપસી આવી છે. અજય શાહે નકલી ખરીદીના બોગસ બિલ દર્શાવીને ગેરકાયદે રીતે રૂ. 21.49 કરોડથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી લીધી હતી. સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાના આ ગંભીર ગુનામાં સ્પષ્ટ સંડોવણી સામે આવતાં જીએસટીની વિશેષ ટીમે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફોરેન્સિક તપાસમાં વધુ ખુલાસાઓ થઈ શકે

દરોડા દરમિયાન જીએસટી અધિકારીઓએ શંકાસ્પદ પેઢીઓમાંથી મહત્વના હિસાબી ચોપડા, કમ્પ્યુટર હાર્ડડ્રાઇવ અને અન્ય ડિજિટલ ઉપકરણો સીઝ કર્યા છે. હાલ આ તમામ જપ્ત કરાયેલા ડેટા અને દસ્તાવેજોની ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ જેમ જેમ આગળ વધશે તેમ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય વચેટિયાઓ, પડદા પાછળના સૂત્રધારો અને વધારાની ટેક્સ ચોરીનો આંકડો બહાર આવવાની પૂરી સંભાવના છે.