Get The App

છોટાઉદેપુર: ગોલા ગામડી ચેકપોસ્ટ પર વિવાદ, સ્ટાફની અછતના કારણે ડ્રાઈવર ભરોસે કામગીરી?

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
છોટાઉદેપુર: ગોલા ગામડી ચેકપોસ્ટ પર વિવાદ, સ્ટાફની અછતના કારણે ડ્રાઈવર ભરોસે કામગીરી? 1 - image


Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાની ગોલા ગામડી ચેકપોસ્ટ પર તાજેતરમાં એક વીડિયો વાઈરલ થતા વહીવટી ગજગ્રાહ છેડાયો છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ગેરહાજરીમાં ડ્રાઈવર દ્વારા એન્ટ્રી કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે જાગૃત નાગરિકે સવાલો ઊઠાવ્યા છે. જો કે, આ ઘટનાએ ખાણ-ખનિજ વિભાગમાં ચાલી રહેલી સ્ટાફની વિકટ અછત અને તેના કારણે અધિકારીઓને પડતી મુશ્કેલીઓ તરફ પણ આંગળી ચીંધી છે.

શું છે વિવાદ?

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં દાવો કરાયો છે કે, ગોલા ગામડી નજીકની ચેકપોસ્ટ પર કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતા અને તેમના ખાનગી ડ્રાઈવર દ્વારા રોયલ્ટી ચેકિંગ અને રજિસ્ટર એન્ટ્રીનું કામ કરવામાં આવી રહ્યું હતું. નિયમ મુજબ આ સત્તા માત્ર સરકારી કર્મી પાસે જ હોય છે, જેથી ડ્રાઈવર દ્વારા થતી કામગીરીને લઈને બેદરકારીના આરોપ લાગ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, રૂ. 3.6 લાખમાં વેચાયેલું બાળક રેસ્ક્યૂ

'શું ચેકપોસ્ટ સાથે લઈને ફરવું?'

આ મામલે જ્યારે રોયલ્ટી ઇન્સ્પેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તીખી પ્રતિક્રિયા આપતા વ્યવહારુ મુશ્કેલીઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે, 'માણસોની અછત છે. જ્યારે અમારે ફિલ્ડમાં કે બહાર ચેકિંગમાં જવાનું હોય, ત્યારે પાછળથી એન્ટ્રી કરવા માટે કોઈક તો જોઈએ ને? હું બહાર જાઉં ત્યારે આખી ચેકપોસ્ટ મારી સાથે ન લઈ જઈ શકું. અમારી પાસે માત્ર બે સ્ટાફ મેમ્બર, 6 સિક્યોરિટી ગાર્ડ્સ અને ડ્રાઈવર છે.'

સિક્કાની બીજી બાજુ: સ્ટાફની અછત કે સિસ્ટમની નિષ્ફળતા?

આ વિવાદમાં માત્ર અધિકારીને દોષ દેવા કરતા સરકાર દ્વારા સ્ટાફની પૂરતી ભરતી ન થવી એ મોટો મુદ્દો બનીને ઉભર્યો છે. એક જ અધિકારીએ ફિલ્ડમાં ચેકિંગ પણ કરવાનું હોય છે અને ચેકપોસ્ટની કામગીરી પણ જોવાની હોય છે. એક વ્યક્તિ એક સમયે બે જગ્યાએ હાજર રહી શકતી નથી. 

માઈનિંગના મોટા હબ ગણાતા છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં રોયલ્ટી ચોરી અટકાવવા સતત હાજર રહેવું પડે છે, પરંતુ તેટલા પ્રમાણમાં કર્મચારીઓ ફાળવવામાં આવ્યા નથી. સ્ટાફ ન હોવાને કારણે મજબૂરીમાં ડ્રાઈવર કે સિક્યોરિટી ગાર્ડની મદદ લેવી પડે છે, જે કાયદાકીય રીતે જોખમી છે પરંતુ કામ ચલાવવા માટે અધિકારીઓ પાસે બીજો કોઈ વિકલ્પ બચતો નથી.

ગોલા ગામડીની આ ઘટના એ માત્ર કોઈ એક અધિકારીની બેદરકારી નથી, પરંતુ ખાણ-ખનિજ વિભાગમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓનું પરિણામ છે. જ્યાં સુધી સરકાર પૂરતો ટેકનિકલ સ્ટાફ નહીં ફાળવે, ત્યાં સુધી ડ્રાઈવરો કે બિન-અધિકૃત વ્યક્તિઓના ભરોસે 'સરકારી વહીવટ' ચાલતો રહેશે તેવું લાગી રહ્યું છે.