Child Trafficking Racket Busted in Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSએ જોઈન્ટ ઓપરેશન કરી બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં હિંમતનગરથી ખરીદેલું એક નવજાત શિશુને હૈદરાબાદમાં વેચવા જતી એક મહિલા સહિત ત્રણ શખ્સને ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે અત્યારે નવજાત શિશુની સંભાળ માટે આરોગ્ય અધિકારીને સોંપવામાં આવ્યું છે. હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી નવજાત શિશુ 3,60,000માં ખરીદ્યું હતું.
ગુજરાત ATSને બાતમી મળી હતી જે ગઈકાલે 28 જાન્યુઆરીના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવી હતી. જે બાદ ક્રાઇમ બ્રાંચની ટીમે અમદાવાદ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ નજીક આવેલા કોતલપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન હિંમતનગરથી એરપોર્ટ તરફ આવી રહેલી આર્ટિગા કારને અટકાવવામાં આવી હતી.
જેમાં તપાસ કરતા તેમાં સવાર વ્યક્તિઓ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું. આ પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમે મૂળ ઉત્તરપ્રદેશની અને અમદાવાદના ઓઢવમાં રહેતી 34 વર્ષીય વંદનાબેન પંચાલ નામની મહિલા, મૂળ રાજસ્થાનના ઝૂંઝુનુનો અને હૈદરાબાદમાં રહેતો 42 વર્ષીય રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ, UPના સુલતાનપુરનો અને વટવામાં રહેતો 27 વર્ષીય સુમિત યાદવ અને કાર ચાલક 32 વર્ષીય મૌલિક દવેની ધરપકડ કરી છે અને નવજાત શિશુને બચાવી લીધું છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ તમામ લોકોની ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ આ નવજાત શિશુને હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી રૂપિયા 3,60,000માં ખરીદ્યું હતું અને બાળકને હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને વેચવા જઈ રહ્યા હતા. બચાવવામાં આવેલા નવજાત શિશુને તાત્કાલિક સંભાળ અને તબીબી ચેકઅપ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. આ તસ્કરી સિન્ડિકેટના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા અને ફરાર વચેટિયાઓને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે.
કાયદેસરની કાર્યવાહી અને જપ્તી
પોલીસે આ ઓપરેશનમાં 10,050 રૂપિયા રોકડ, ચાર મોબાઈલ ફોન (કિંમત 55,000 રૂપિયા) અને એક કાર જપ્ત કરી છે. આ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રેસ્ક્યૂ કરાયેલા નવજાત શિશુને તાત્કાલિક સારવાર અને તબીબી તપાસ માટે ચાઈલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. હાલમાં પોલીસ આ રેકેટમાં જોડાયેલા અન્ય વચેટિયાઓ અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.


