Delhi-Mumbai Expressway: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે (NE-4) ના ગુજરાતમાં ચાલી રહેલા કામકાજ વચ્ચે વાહનચાલકો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધીનો એક્સપ્રેસ-વેનો માર્ગ આજ(10 જાન્યુઆરી)થી ટ્રાયલ ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એ પણ જણાવી દઈએ કે, હાલમાં એક્સપ્રેસ-વેના એક તરફના માર્ગને ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યો છે. ડીસીસી ઇન્ફ્રાના અધિકારીના હસ્તે શ્રી ફળ વધેરી માર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, પુનગામ નજીકના પોઈન્ટ પર એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દેવાતા વાહનચાલકો રોષે ભરાયા છે.
પુનગામ એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દેવાતા વાહનચાલકોમાં રોષ
અગાઉ વાહનચાલકો એક્સપ્રેસ-વે પરથી ઉતરવા કે ચઢવા માટે અંકલેશ્વરના પુનગામ ખાતેનો હંગામી માર્ગ(પોઈન્ટ)નો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આ પુનગામ નજીકના એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દેવાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોની ફરિયાદ છે કે, રસ્તો અચાનક બંધ કરી દેવાયો છે. કોઈ સૂચન બોર્ડ કે માહિતી અપાઈ નથી. જેના કારણે વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. હવે પુનગામ નજીકનો પોઈન્ટ બંધ કરી દેવાતા વાહનચાલકો 15-20 કિલોમીટર દૂર ફરીને જવા મજબૂર બન્યા છે. વાહનચાલકો સીધા કીમ અથવા નિર્ધારિત એક્ઝિટ પોઈન્ટનો જ ઉપયોગ કરી શકશે.
બીજી તરફ આ માર્ગ હાલ ટ્રાયલ ધોરણે શરૂ કરાયો હોવાથી વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને માર્ગ પરના ચિહ્નોનું પાલન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.


