Vadodara News: વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યોએ એકત્ર થઈને મુખ્યમંત્રી કચેરીમાં આપેલા પત્ર બાદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે સાંસદ ડો. હેમાંગ જોષીની પ્રતિક્રિયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અધિકારીઓ જો પોઝિટિવ કામ કરતા હોય તો અમારે રજૂઆત કરવાની જરૂર જ ન પડત.
સાંસદ હેમાંગ જોષીએ આ પત્ર બાબતે અજાણ હોવાની વાત કરતાં કહ્યું હતું કે, 'દર મહિને યોજાતી સંકલન બેઠકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ સાથે મળીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવાના પ્રયાસો કરે છે. તેથી આ વિષય અંગે હાલ તેમને વધુ જાણકારી નથી, પરંતુ તેઓ વિષયનો ઊંડો અભ્યાસ કરીને સાથીઓ સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નિવેદન આપશે'
સાંસદના નિવેદન પર કેતન ઈનામદારનો પલટવાર
જિલ્લાના સાંસદ ડો. હેમાંગ જોશીએ આ વિવાદ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેનો જવાબ આપતા કેતન ઈનામદારે જણાવ્યું કે, "સાંસદે પોતાની રીતે અંગત અભિપ્રાય આપ્યો છે તે સાચો હોઈ શકે, પરંતુ અમારી ઈચ્છા એટલી જ છે કે જે અધિકારીઓ હકારાત્મકતાથી કામ કરતા હોવાનું કહેવાય છે, તે ખરેખર જમીન સ્તર પર દેખાવું જોઈએ. જો અધિકારીઓ લોકહિતના કામો સ્વયં કરતા હોત તો અમારે મુખ્યમંત્રી સુધી જવું જ ન પડત."
"અધિકારીઓ જાણીજોઈને વિલંબ કરે છે, અમારી પાસે પુરાવા છે"
ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કેટલાક અધિકારીઓ સરકાર દ્વારા મંજૂર થયેલા કામોમાં પણ ઈરાદાપૂર્વક વિલંબ કરે છે. તેમણે ઉમેર્યું કે: જાહેર હિતના કામોમાં અધિકારીઓ પોતાની ઈચ્છા મુજબ વર્તે છે.આ બાબતે અમે મુખ્યમંત્રીને લેખિતમાં જાણ કરી છે અને જરૂર પડ્યે પુરાવા સાથે રજૂઆત કરીશું. સંકલન સમિતિની બેઠકોમાં માત્ર સારા જવાબો મળે છે, પરંતુ પરિણામ શૂન્ય આવે છે.
નર્મદા કેનાલના મેન્ટેનન્સમાં ગંભીર બેદરકારીનો ઉલ્લેખ
કેતન ઈનામદારે વહીવટી તંત્રની પોલ ખોલતા નર્મદા કેનાલનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, "નર્મદા કેનાલના મેન્ટેનન્સનું કામ ચોમાસા પહેલા કરવાનું હોય છે, પરંતુ અહીં ટેન્ડરિંગ પ્રક્રિયા જ ચોમાસા પછી હાથ ધરવામાં આવે છે. જ્યારે ખેડૂતોને પાણીની જરૂર હોય ત્યારે રિપેરિંગના નામે કામ ચાલતું હોય, તે કેટલું યોગ્ય છે?" છેલ્લા કેટલાય વર્ષોથી આ બાબતે રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા અંતે ધારાસભ્યોએ સામૂહિક રીતે મુખ્યમંત્રીના દ્વાર ખટખટાવવાની ફરજ પડી હોવાનું તેમણે જણાવ્યું હતું.


