SOP For Children : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા જાણે જીવનનો એક ભાગ બની ગયો છે. મોટાભાગના લોકો વિવિધ સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જેના ફાયદા હોવાની સાથે ગેરફાયદાઓ પણ છે. પરંતુ હવે સોશિયલ મીડિયા જાણે કે લોકો માટે દૂષણ અને નાના બાળકો માટે એક રોગ બની ગયો હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. બાળકોમાં વધુ પડતાં ફોનના ઉપયોગ સામે શારીરિક, માનસિક નુકસાન પહોંચે છે. મોબાઈલ કે સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળકો કે વિદ્યાર્થીઓ સાથે કોઈ ઘટના ઘટે ત્યારે અવાર-નવાર રાજ્યના શિક્ષણ મંત્રી સહિતના નેતાઓ આ મુદ્દે SOP લાવવાની વાતો કર્યા કરે છે. પરંતુ શાળાનું સત્ર પતી જવા આવ્યું છતાં આવી કોઈ SOPનો ડ્રાફ્ટ પણ સરકાર બનાવી શકી નથી.
શું કહેલું શિક્ષણ મંત્રીએ?
રાજ્યમાં છેલ્લા બે ત્રણ મહિનામાં ઘણી એવી ઘટના બની જેની પાછળ મોબાઈલ અને સોશિયલ મીડિયા જવાબદાર હતું. આ સ્થિતિને કાબુમાં લેવા માટે 9 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાત સરકારે પણ ટૂંક સમયમાં એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે તેવું કીધુ હતું. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે, 'સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનો અતિરેક બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર નકારાત્મક અસર કરી રહ્યો છે. આ કારણસર ગુજરાત સરકાર ટૂંક સમયમાં વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડશે. બાળકોમાં રમતગમત અને વાંચન પ્રવૃત્તિ વધે એ હેતુથી મનોવિજ્ઞાનીઓ સાથે ચર્ચાવિમર્શન કરીને આ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે.' પરંતુ બાદમાં આ જાહેરાત ખૂદ શિક્ષણ મંત્રી જ ભુલી ગયા, અને હવે જ્યારે બગસરાની ઘટના બની ત્યારે મંત્રીજીને ફરી પાછું SOP લાવવાનું યાદ આવ્યું છે!
કેન્દ્રએ ડ્રાફ્ટ જાહેર કરીને સૂચનો મંગાવ્યા
દેશમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ના ડ્રાફ્ટ નિયમને ધ્યાનમાં રાખીને 3 જાન્યુઆરી, 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતાપિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે તેમ જણાવ્યું હતું. ડ્રાફ્ટ બનાવ્યા બાદ લોકો પાસે સૂચનો પણ માગ્યા હતા. પરંતુ રાજ્ય સરકાર હજુ ઘોર નિંદ્રામાં જ હોય તેવું લાગે છે. અથવા તો કેન્દ્ર સરકાર જ જો SOP બનાવી દે તો પોતાને મોકાણ નહીં તેવું પણ રાજ્ય સરકાર વિચારતી હશે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં કલાકારોને માન અને કોરોના વોરિયર્સનું અપમાન, આરોગ્યકર્મીઓની હડતાળનો 11મો દિવસ
40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ-પગમાં બ્લેડથી કાપા માર્યા
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 5, 6 અને 7 માં અભ્યાસ કરતાં 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ-પગના ભાગમાં બ્લેડથી કાપા મારી પોતાને જ ઈજા પહોંચાડી હતી. મળતી માહિતી અનુસાર, વીડિયો ગેમના રવાડે ચઢી વિદ્યાર્થીઓએ જાતે જ એકબીજાના હાથ પર પેન્સિલના શાર્પનરથી ચીરાં પાડ્યા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે વિદ્યાર્થીઓના વાલીઓએ પોલીસમાં અરજી કરીને તપાસની માંગણી કરી છે.
![]() |
| અમરેલીના બગસરાની ઘટના |
સુરતમાં ફોન પાણીમાં પડી જતાં 12 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત
સુરતમાં 8 દિવસ પહેલાં વેડરોડ ખાતે ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફોન પાણીમાં પડી જવાથી મોતને વ્હાલુ કર્યું હતું. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતાં કપિલ દુધલની 12 વર્ષીય બાળકીએ મોબાઈલ ફોન પાણીમાં પડી જવાથી ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. વિદ્યાર્થિનીએ આપઘાત પહેલાં સુસાઈડ નોટમાં લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'મમ્મી મને માફ કરી દેજે, મારાથી ભૂલમાં મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો, તું મને માફ કરી દેજે'.
![]() |
| પાણીમાં ફોન પડી જતાં 12 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, સુરતની ઘટના |
મોબાઈલ ફોન આપવાની ના પાડતા 11 વર્ષીય બાળકીએ મોતને વ્હાલુ કર્યુ
જામનગરની GIDCના કારખાનામાં કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના ગુમાનપુરાના પરિવારની 11 વર્ષની બાળકીએ તેની બહેન પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો. બહેને મોબાઈલ ફોન આપવાની ના પાડી અને પછીથી આપીશ તેમ કહ્યું હતું. આવી સામાન્ય વાતથી 11 વર્ષીય બાળકીને લાગી આવ્યુ અને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો: ગાંધીનગરમાં PTના દાવ કરી વ્યાયામ શિક્ષકોએ દર્શાવ્યો વિરોધ, પોતાની માગ પર ખેલ સહાયકો અડગ
વધુ પડતો ફોન ન વાપરવા માતાએ ઠપકો આપતા દીકરી ફાંસો ખાધો
બે મહિના પહેલાં સુરતના પાંડેસરાના આવિર્ભાવ સોસાયટીમાં રહેતાં પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની વધુ પડતાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો. બાળકીને મોબાઈલની લત લાગી ગઈ હતી. જેથી માતાએ દીકરી પાસેથી મોબાઈલ ફોન છીનવીને ઠપકો આપતાં દીકરીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
![]() |
| માતાએ ઠપકો આપતા દીકરીએ કર્યો આપઘાત, સુરતની ઘટના |
સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની લત, બાળકોના માનસ પર માઠી અસર
સોશિયલ મીડિયા અને વધુ પડતાં સ્માર્ટ ફોનના વપરાશથી બાળકોના માનસ પર ખૂબ ઊંડી અસર પહોંચતી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. બાળકો-યુવાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનમાં વેડફી પોતાની માનસિક અને શારીરિક શક્તિનો નાશ કરી રહ્યાં છે. મોબાઈલનું વળગણ એટલી હદે બાળકોના માનસ પર અસર કરી બેસે છે કે, કોઈ નાની કે સામાન્ય વાત પણ પોતાના માતા-પિતાને જણાવતા નથી. કેટલાંક અંશે મોબાઈલે માતા-પિતા અને બાળકો વચ્ચે અંતર પેદા કરી દીધું હોવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં પોતાની નાની અમથી ભૂલ કે માતા-પિતાના ઠપકાને સમજી શકવા સક્ષમ ન હોવાથી બાળકો-યુવાનો આપઘાત કરી લેતાં હોવાના બનાવો સામે આવે છે.
સરકારની સાથે સમાજે પણ તકેદારી રાખવી પડશે
સમાજમાં આવી ઘટનાઓ વધી રહી છે, જેથી સરકારે આ બાબતે વહેલી તકે જાગૃત થઈ યોગ્ય પગલાં ભરવા જોઈએ. અને ન માત્ર SOP બનાવવી જોઈએ પરંતુ તેના યોગ્ય અમલ અંગે પણ તકેદારી રાખવી જોઈએ. ન માત્ર સરકારે પરંતુ વાલીઓએ પણ આ બાબતે દરકાર રાખવાની પણ એટલી જ જરૂર છે. વાલીઓ પોતે જ જો મોબાઈલ કે સોશિયલ મીડિયાથી દૂર રહેશે તો બાળકો પણ તેમને અનુસરશે. શરૂઆત માતા-પિતાએ કરવાની છે. પછી બાળકો તેનો અમલ આપોઆપ કરશે.





