Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય ધોળકા શહેરમાં ત્રણ પેઢીથી પ્રતિષ્ઠિત ગણાતા 'હરિ જવેલર્સ'ના માલિકોએ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. ભવ્ય શો-રૂમ અને લક્ઝરી કાર બતાવીને લોકોનો વિશ્વાસ જીતનાર સોની પિતા-પુત્રો છેતરપિંડી કરીને રાતોરાત ગાયબ થઈ ગયા હતા. સમગ્ર મામલે ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. FIR મુજબ, ફરિયાદી સાથે રૂ. 6.04 કરોડની છેતરપિંડી આચરાઈ છે, પરંતુ સ્થાનિકોમાં 300થી 400 કરોડનું ફૂલેકું હોવાની ચર્ચા છે.
ધોળકામાં ચાંદીમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી
મળતી માહિતી મુજબ, ધોળકામાં 'હરિ જવેલર્સ'ના માલિકે ચાંદીમાં રોકાણ કરીને ઊંચા વળતરની લાલચ આપીને છૂટક વેપારી મોહમ્મદ સજ્જાદ નિવાજખાન પઠાણ સાથે કરોડોની છેતરપિંડી આચરી હતી. આશરે 3 કરોડનો ભવ્ય શો-રૂમ અને કિંમતી ગાડી બતાવી લોકોમાં શાખ ઊભી કરનારા ઘનશ્યામ સોની અને તેના બે પુત્રોએ ફરિયાદીને નફાની લાલચ આપીને ચાંદીનું રોકાણ કરાવ્યું હતું. જ્યારે ઘણા સમય બાદ ફરિયાદી ચાંદી અને નફાની સહિતની રકમ માંગતા સોની દ્વારા વાયદા આપવામાં આવતા હતા. જોકે, સોની પિતા-પુત્રો રાતોરાત ફરાર થઈ જતાં ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
FIR અનુસાર, ફરિયાદી મોહંમદ સજ્જાદ પઠાણ પાસેથી 97 કિલો ચાંદી (રૂ. 81.85 લાખ) પડાવ્યા બાદ આરોપીઓએ વાયદા મુજબ ડિલિવરી આપી નહોતી. જ્યારે રોકાણકારો પૈસા માંગવા ગયા ત્યારે 20 ઑક્ટોબરના રોજ જાણવા મળ્યું કે, સોની પરિવાર ઘર અને શો-રૂમને તાળા મારી નાસી છૂટ્યો છે. ફરિયાદી સિવાય અન્ય કેટલાય લોકો પણ આ ઠગાઈનો ભોગ બન્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે
સમગ્ર બનાવ મામલે ધોળકા ટાઉન પોલીસે આરોપી ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની અને તેમના બે પુત્રો યશ સોની તથા દીપ સોની વિરુદ્ધ BNSની કલમ 316(5) અને 61(2) હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જેમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


