| AI Image |
FRC Ahmedabad: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ફી રેગ્યુલેટરી કમિટી (FRC) ઝોન દ્વારા શાળાઓની નક્કી થયેલી ફીના ઑર્ડર હવે જાહેર જનતા માટે ઓનલાઇન ડેશબોર્ડ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વાલીઓમાં જાગૃતિ લાવવાનો અને તે કોઈપણ શાળાની ફીની સચોટ વિગતો સરળતાથી જાણી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.
વાલીઓ હવે ઘરે બેઠા ફી ઑર્ડર જોઈ અને મેળવી શકશે
FRC ઝોન અમદાવાદે તેના પોર્ટલ પર એક વિશેષ ડેશબોર્ડ તૈયાર કર્યું છે. જ્યાં તમામ શાળાઓની નિર્ધારિત ફીના ઑર્ડર મૂકવામાં આવ્યા છે. વાલીઓ હવે ઘરે બેઠા જ પોર્ટલ પર જઈને શાળાનું નામ સર્ચ કરીને જે-તે વર્ષનો ફી ઑર્ડર જોઈ અને મેળવી શકે છે. સરકારની આ નીતિનો હેતુ વાલીઓને ફી બાબતે અવગત કરવાનો અને શાળાઓ દ્વારા લેવામાં આવતી ફીમાં પારદર્શિતા જાળવવાનો છે.
શાળા ફી કરતાં વધારે રકમ વસૂલી શકશે નહીં
હવે કોઈ પણ શાળા FRC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધારે રકમ વસૂલી શકશે નહીં. જો વાલીઓ સ્વૈચ્છિક રીતે કોઈ વૈકલ્પિક પ્રવૃત્તિઓ રાખવા માંગતા હોય, તો જ તેની અલગ ફી લઈ શકાય છે. મહત્ત્વની વાત એ છે કે, જો કમિટી દ્વારા કોઈ શાળાની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હોય અને અપીલ પછી પણ જો તેમાં ફેરફાર ન થાય, તો શાળાઓએ વધારાની લીધેલી ફી વાલીઓને પરત કરવાની રહેશે અથવા આગામી ફીમાં એડજસ્ટ કરવાની રહેશે. આ માટે શાળાઓએ સત્વરે કાર્યવાહી કરવાની રહેશે તેવું સૂચવવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, 'FRC અમદાવાદ ઝોન દ્વારા 5800થી વધુ શાળાઓની ફી મંજૂર કરવામાં આવી છે, જેની વિગતો વાલીઓ ઓનલાઇન અથવા શાળાના નોટિસ બોર્ડ પર જોઈ શકશે. જે શાળાઓની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેમણે વધારાની ફી વાલીઓને પરત કરવી પડશે અથવા આગામી સમયમાં એડજેસ્ટ કરી આપવી પડશે.' શાળાઓ માટે FRCના આ ઑર્ડરનું પાલન કરવું અનિવાર્ય છે, જો કે કેટલીક શાળાઓ આ ફી ઘટાડાના નિર્ણય સામે અપીલ કરવાની શક્યતા પણ ધરાવે છે.


