શેરબજાર-જમીનના રોકાણનું કહી બે ગઠિયાઓ દ્વારા ૧૪ કરોડની છેતરપિંડી
લપકામણમાં રહેતા બિલ્ડર સહિત અનેક લોકો છેતરાયા
ઉપલેટામાં સસ્તામાં જમીન અપાવવાની સાથે શેરબજારમાં તગડો નફો અપાવવાની ખાતરી આપી હતીઃ સોલા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી

અમદાવાદ,સોમવાર
શહેરમા સોલામાં રહેતા બે ગઠિયાઓએ બિલ્ડર અને અન્ય કેટલીક વ્યક્તિઓને શેરબજારમાં રોકાણની સામે તગડો નફો કમાવી આપવાની સાથે એક રોકાણકારને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સસ્તામાં જમીન અપાવવાના નામે છ કરોડ લઇને કુલ ૧૪ કરોડ ઉપરાંતની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જે અંગે સોલા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ જિલ્લાના લપકામણમાં રહેતા વિજયભાઇ પટેલે સોલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે જમીન લે-વેચ અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે અને તેમની ઓફિસ સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા અનુશ્રી એકોલેડ-૨ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવે છે. તેમના જ કોમ્પ્લેક્સમાં કિશન રાડીયા (અરાઇઝ અનંતા ફ્લેટ, જગતપુર) નામનો વ્યક્તિ પણ શેરબજારને લગતી ઓફિસ ધરાવતો હતો.
કિશન રાડીયાએ વિજયભાઇના પિતરાઇ ભાઇ જતીનભાઇને શેરબજારમાં રોકાણની સામે ઉંચુ વળતર અપાવવાની ખાતરી આપી હતી. જેથી વિશ્વાસ કરીને જતીનભાઇએ ઓક્ટોબર ૨૦૨૩માં કિશનના બેંક એકાઉન્ટમાં ૨.૦૧ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. આ ઉપરાંત, કિશને તેમને કહ્યુ હતું કે તેમના ધ્યાનમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક સોનાની લગડી જેવી જમીન સસ્તામાં મળી રહે તેવી છે. જેમાં ખુબ સારૂ વળતર મળશે. જેથી જતીનભાઇએ વિશ્વાસ કરીને આંગડિયા મારફતે કિશનના કહેવાથી ઉપલેટામાં રહેતા નવનીત નામના વ્યક્તિને છ કરોડ રૂપિયા મોકલી આપ્યા હતા. આમ, જતીનભાઇએ કુલ આઠ કરોડનું રોકાણ કર્યું હતું. જેની સામે વિશ્વાસ અપાવવા માટે કિશને તેમને ૫૪ લાખ નફા પેટે પરત આપ્યા હતા. જતીનભાઇને નફો થતો હોવાથી વિજયભાઇએ પણ શેરબજારમાં રોકાણ કરવા માટે ૪.૨૫ કરોડનું આપ્યા હતા. આ ઉપરાંત, અન્ય રોકાણકારોએ પણ મોટાપ્રમાણમાં રોકાણ કરતા કુલ ૧૪ કરોડ ઉપરાંતની રકમ શેરબજારમાં રોકાણ માટે આપી હતી. પરંતુ, ત્યારબાદ મહિનાઓ વીતી ગયા બાદ વળતર ન મળતા રોકાણકારોને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો હતો. એટલુ જ નહી આરોપી કિશન રાડીયાએ તેની ઓફિસ પણ બંધ કરી દીધી હતી.
આ અંગે સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામા ંઆવતા પોલીસ ઇન્સ્પેક્ટર કે એન ભુકાણે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં ફરાર આરોપી કિશન રાડીયાને ઝડપી લીધો હતો. જ્યારે ઉપલેટામાં રહેતા નવનીત નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે નાણાંનું રોકાણ કરનારાઓએ પોતાના ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા નહોતા અને ટેક્ષ ન લાગે તેમજ અન્ય કોઇ ઇન્કવાયરી ન થાય તે માટે કિશન રાડીયાને મૌખિક રીતે કરાર કરીને શેરબજારમાં રોકાણ કરવા માટે કરોડો રૂપિયા આપી દીધા હતા.

