જામનગરના લાલપુરમાં નશાકારક ચોકલેટનો જત્થો ઝડપાયો, એક વેપારીની ધરપકડ
Jamnagar News : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વેપારી પોતાની દુકાનમાં નાશાકારક ચોકલેટનું વેચાણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે SOGએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યા હતા અને વેપારીની દુકાનમાંથી 1845 નંગ નશાકારક મનાતી ચોકલેટ કબજે કરી લીધી છે. ઝડપાયેલો જથ્થો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયો છે. પોલીસે નશાકારક ચોકલેટનું વેચાણ કરનાર એક વેપારીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગરની SOG શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલી મહાવીર હોટલ કે જેના સંચાલક સુરેશ જીવરાજભાઈ હરિયા દ્વારા પોતાની દુકાનમાં કેટલીક ચોકલેટની સાથે-સાથે નશાકારક ચોકલેટ રાખીને તેનું પણ વેચાણ કરી રહ્યો છે.
જેના આધારે SOGની ટુકડીએ દરોડા પાડીને આયુર્વેદિક ઔષધી લખેલી 1845 નંગ નશાકારક ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ ચોકલેટ કબજે કરી લીધી છે. ચોકલેટના સેમ્પલો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે, ત્યારે તેનો રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, તેવામાં વેપારીને નોટિસ પાઠવી દેવામાં આવી છે. સમગ્ર મામલે પૂછપરછ દરમિયાન આરોપીએ ચોકલેટ તેને જામનગરનો કોઈ સેલ્સમેન વેચાણ કરવા માટે આપી ગયો હોવાનું જણાવ્યું હતું અને પોતે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું.