મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થયા, અંતિમ તબક્કાની કામગીરી પૂરજોશમાં
Mumbai-Ahmedabad Bullet Train Project: મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે અને ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા અને વાપી ખાતેના સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. અને હાલ આંતરિક સજાવટ અને સ્ટેશન સુવિધાઓ જેવી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સ્ટેશનો શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે ખાસ ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. ઊર્જા ઉત્પન્ન કરવા માટે કેટલાક સ્ટેશનો પર સોલાર પેનલો લગાવવામાં આવી રહી છે, પ્લેટફોર્મ વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ અને હવાની અવરજવર રહેશે. ભૂગર્ભ જળ રિચાર્જિંગ કૂવામાંથી વરસાદી પાણી સંચય માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીનું પુનઃચક્રણ કરવા ગટરના પાણીની શુદ્ધિકરણ માટે (એસટીપી) પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
મુસાફરોની સુવિધા માટે દરેક સ્ટેશન પર લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવી રહ્યા છે. આરામદાયક બેઠકો, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી અને બાળક સંભાળ સુવિધાઓ સાથે ખાદ્ય કિઓસ્ક, રિટેલ કાઉન્ટર અને અન્ય મુસાફર સેવાઓ ઉપલબ્ધ રહેશે.
ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સાબરમતી અને સુરત ખાતેના સ્ટેશનોને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. જેથી બુલેટ ટ્રેન, રેલવે, મેટ્રો ટ્રેન, બસ, ટેક્સી, ઓટો અને અન્ય સ્થાનિક પરિવહન વચ્ચે કનેક્ટિવિટી રહેશે. જેથી ટ્રાન્ઝિશનનો સમય ઓછો થશે, જે પ્રવાસને વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે. મુસાફરોની સુવિધા માટે તમામ સ્ટેશનો પર પાર્કિંગ જગ્યાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ સ્ટેશનો મુસાફરોના અનુભવમાં નવા માપદંડો સ્થાપિત કરશે.