અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ
Amreli News : અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થનું વેચાણ અટકાવવા માટે પોલીસની કામગીરી વધુ સઘન બની છે, ત્યારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા લાઠીના ભુરખીયા ગામેથી કાલા તરીકે ઓળખાતો માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીને કારણે નશાનો કારોબાર ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, લાઠી તાલુકાના ભુરખીયા ગામમાં એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન મકાનમાંથી સૂકો માદક પદાર્થ (પોસ્ટ ડોડા), જેને સ્થાનિક ભાષામાં 'કાલા' કહેવાય છે, તેવા 59.80 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ
આ ઉપરાંત, મોબાઈલ ફોન અને વજન કાંટા સહિત કુલ રૂ. 1.86 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે રાજુભાઈ નકુભાઈ ચાવડા નામના આરોપીને ઘટનાસ્થળેથી જ દબોચી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.