અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ
Amreli News : ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદી માહોલ છે. તેવામાં લાંબા વિરામ અને અસહ્ય ગરમી-બફારા બાદ અમરેલી જિલ્લાના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. આજે ગુરુવારે (28 ઓગસ્ટ) બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશમાં મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદ શરૂ થયો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ખાંભા-ગીર પંથકમાં ધોધમાર વરસાદ
ખાંભા-ગીર વિસ્તારમાં ત્રાકુડા, ડેડાણ, માલકનેશ, નીગાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ડેડાણ ગામની બજારોમાં તો વરસાદી પાણી જાણે નદીના પ્રવાહની જેમ વહેવા લાગ્યા હતા. આ વરસાદથી કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકને જીવનદાન મળ્યું છે. થોડા દિવસોની વરાપ બાદ આવેલા આ વરસાદે ખેડૂતોમાં આશા જગાવી છે કે, પાકને સારો લાભ થશે અને પશુધન માટે પાણીનો સંગ્રહ પણ થશે.
રાજુલા અને જાફરાબાદમાં પણ મેઘમહેર
રાજુલા શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે હીડોરાણા, સતડીયા, કડીયાળી અને જૂની કાતર સહિતના પંથકમાં પણ સારો વરસાદ પડ્યો છે. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં લોર, ફાચરીયા અને ટીંબી જેવા ગામોનો સમાવેશ થાય છે. અસહ્ય ગરમી બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આ પણ વાંચો: ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેતીને ફાયદો થવાની આશા છે, જેનાથી આગામી સમયમાં પાકનું ઉત્પાદન સારું રહેશે. આ વરસાદે ખેડૂતોના ચહેરા પર હરખ છવાયો છે.