Get The App

અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી 1 - image


Ahmedabad Snehjali Society Demolition:  અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી દરમિયાન ભારે હોબાળો મચી ગયો છે. વર્ષોથી રહેતા પરિવારોએ કોર્પોરેશનની આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે અને ન્યાયની માંગ કરી છે. ત્યારે આ દરમિયાન AMCના JCB મશીને 'ગુજરાત સમાચાર'ના પત્રકાર ઈજા પહોંચાડી છે, જેનાથી રોષ વધુ ભભૂક્યો છે. 

ત્યારે ડિમોલિશનના માહોલ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં સ્થાયી થયેલા ઉર્વશીબેન હર્ષિતભાઈ પટેલ પોતાનું વર્ષો જૂનું ઘર બચાવવા માટે તાબડતોબ ભારત દોડી આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 થી 23 તારીખ સુધીમાં મકાનો ખાલી કરવાની નોટિસ અપાતા, ઉર્વશીબેને રવિવારે સવારે 9 વાગ્યે 2700 ડોલરની મોંઘી ટિકિટ કરાવી અને સોમવારે સવારે 5 વાગ્યે અમદાવાદ પહોંચી ગયા.


25,000 રૂપિયા હજુ લેવાના બાકી છે

ઉર્વશીબેનનો આક્ષેપ છે કે તેમને 30,000 રૂપિયાનું વળતર મળવાપાત્ર છે, પરંતુ તંત્ર દ્વારા અત્યાર સુધી માત્ર 5,000 રૂપિયાનું જ 'ટોકન' પેમેન્ટ આપવામાં આવ્યું છે. બાકીના 25,000 રૂપિયા હજુ લેવાના બાકી છે.

મહિલાએ જણાવ્યું કે, 'મારું એસી અને અન્ય કિંમતી સામાન હજુ અંદર જ છે, છતાં તંત્ર દ્વારા અંદર આવીને તોડફોડ કરવાનું ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. મેં સ્પષ્ટ ના પાડી છે કે જ્યાં સુધી બહારના મકાનો નહીં તોડાય ત્યાં સુધી મારા ઘરમાં એન્ટ્રી નહીં મળે.'

અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી 2 - image

આ પણ વાંચો: અમદાવાદ સ્નેહાંજલિ સોસાયટી વિવાદ: AMCના JCBએ મકાન તોડવાનું શરૂ કરતા રહીશોનો બિલ્ડરના ઘર સામે હલ્લાબોલ

ઉર્વશીબેને સરકારને નમ્ર વિનંતી કરી છે કે તેમને અને તેમના જેવા અન્ય રહીશોને ન્યાય અપાવવામાં આવે. તેમણે ચેતવણી પણ આપી છે કે જો બિનજરૂરી દબાણ કરવામાં આવશે તો તેઓ પોલીસ કેસ કરતા પણ અચકાશે નહીં. અમે વર્ષો જૂના મકાનો છોડીએ છીએ, તો આવી રીતે અન્યાય કેમ? સરકાર અમને મદદ કરે અને યોગ્ય ન્યાય અપાવે.

અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી 3 - image

40 વર્ષ પછી જમીન ખોટી હોવાનું કેમ યાદ આવ્યું?: સ્થાનિકો 

સ્થાનિક રહીશ શિલ્પા પટેલ જણાવે છે કે, 'બંગલા નંબર 6 મારા પપ્પાનો છે. 1983માં લોન લઈને આ મકાન બાંધવામાં આવ્યું હતું અને 1989થી અમે અહીં રહીએ છીએ. અમારી લાગણીઓ આ ઘર સાથે જોડાયેલી છે. 22 તારીખ સુધીનો સમય હોવા છતાં AMCના અધિકારીઓ આજે અચાનક તોડવા આવી પહોંચ્યા છે.' 

શું છે મુખ્ય મુદ્દા અને વિરોધનું કારણ 

સ્થાનિકોનો આક્ષેપ છે કે હોબાળા દરમિયાન AMCના JCB મશીને 'ગુજરાત સમાચાર'ના પત્રકારને ઈજા પહોંચાડી છે, જેનાથી રોષ વધુ ભભૂક્યો છે. લોકો પૂછી રહ્યા છે કે જ્યારે 40 વર્ષ પહેલા પ્લાન પાસ થયો ત્યારે તંત્ર ક્યાં હતું? જો જમીન ખોટી હતી તો બાંધકામની મંજૂરી કેમ આપવામાં આવી? રહીશોની માંગ છે કે જે બિલ્ડરે આ મકાનો બાંધ્યા છે તેને હાજર કરવામાં આવે અને તેની સામે કાર્યવાહી થાય.

અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી 4 - image

લેખિત દસ્તાવેજની માંગ

એક અન્ય સ્થાનિક યુવાને જણાવ્યું કે અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. જ્યાં સુધી લેખિતમાં દસ્તાવેજ ન મળે ત્યાં સુધી તેઓ પઝેશન સોંપવા તૈયાર નથી. 

જ્યારે એક વૃદ્ધ મહિલાએ રડમસ અવાજે પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે અમે ઘરડા માણસો છીએ, કોઈ સાંભળતું નથી!

ઘટનાસ્થળે મહિલાઓ દ્વારા 'હાય રે ભાજપ હાય હાય' ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અત્યારે આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે અને પોલીસ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના જીવનભરની કમાણીથી બનેલા ઘર બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.

અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી 5 - image