Snehanjali Society Ahmedabad : અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીના રહીશો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે. વર્ષોની છેતરામણી અને હવે ઘર ગુમાવવાની ભીતિ વચ્ચે લાચાર બનેલા રહીશોએ બિલ્ડર દિલીપ પટેલના નિવાસસ્થાન બહાર ધરણા પ્રદર્શન યોજી ન્યાયની માંગ કરી છે. આજે સવારે 9 વાગ્યે જ એએમસીનું જેસીબી અને ચાર અધિકારીઓ સોસાયટી બહાર આવી પહોંચ્યા હતા અને બંધ પડેલા મકાનોની તોડફોડ શરુ કરી હતી. સોસાયટીના રહીશોએ આ જોતાં જ હોબાળો મચાવ્યો હતો જેના પગલે કામ અટકાવી દેવું પડ્યું હતું. ત્યારબાદ બંધ ઘરમાંથી સામાન બહાર કાઢી લેવાના પ્રયાસો શરુ કરાયા હતા.
2006થી ચાલી રહ્યો છે વાયદાઓનો ખેલ
સ્નેહાંજલિ સોસાયટીનું નિર્માણ બિલ્ડર દિલીપ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, વર્ષ 2006 બાદ રહીશોને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમને જાણ થઈ કે આ આખી સોસાયટી ગેરકાયદેસર છે. આ મામલે બિલ્ડર દિલીપ પટેલ દ્વારા છેલ્લા દોઢ દાયકાથી રહીશોને મનાવવામાં આવી રહ્યા હતા. બિલ્ડરે વારંવાર ખાતરી આપી હતી કે તે તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી સોસાયટીને કાયદેસર કરાવી આપશે, પરંતુ આ તમામ વાયદાઓ ઠાલા સાબિત થયા છે.
AMCના JCB આવતાં રહીશોમાં ફફડાટ
પરિસ્થિતિ ત્યારે ગંભીર બની જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની ટીમ ડિમોલિશન માટે જેસીબી સાથે સોસાયટી પર પહોંચી હતી. પોતાનું આજીવનની કમાણીનું ઘર તૂટતું જોઈ રહીશોમાં ભારે રોષ અને ડર ફેલાયો હતો. તંત્રની કાર્યવાહી સામે બિલ્ડરની કોઈ જ મદદ ન મળતાં રહીશો હવે બિલ્ડરના ઘરે પહોંચ્યા છે.
બિલ્ડર મૌન, રહીશોની ન્યાયની માંગ
રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડર દિલીપ પટેલ હવે ફોન ઉપાડતા નથી કે કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આજે સોસાયટીના લોકો પર બેઘર થવાની તલવાર લટકી રહી છે. જ્યાં સુધી બિલ્ડર નક્કર ઉકેલ નહીં લાવે ત્યાં સુધી રહીશોએ ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.


