SMC Gambling Raid in Nadiad: સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ચાલતા એક મોટા જુગારધામ પર લાલઆંખ કરી છે. શહેરના ફૈઝાન પાર્ક પાછળ આવેલા એક ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા લોકો પર મોડી રાત્રે દરોડા પાડી પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા
મળતી માહિતી અનુસાર, SMCના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જે. ચૌહાણની આગેવાનીમાં મળેલીબાતમીના આધારે આ જુગારઘામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 19 જુગારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 1 લાખ રૂપિયા રોકડા, મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ 5.77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા 19 આરોપીઓ માત્ર નડિયાદના જ નહીં, પરંતુ અમદાવાદ, આણંદ અને વડોદરા શહેરના રહેવાસી છે.
6 આરોપીઓ હજુ ફરાર
પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં 6 આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા છે. પોલીસે જુગાર નિવારણ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ દરોડાની આગેવાની SMCના પોલીસ ઇન્સ્પેક્ટર એ જે ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓને રોકવા માટે સતત ઝુંબેશના ભાગ રૂપે આવી કામગીરી ચાલુ રહેશે.


