Get The App

સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો ફૂટ્યો

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો ફૂટ્યો 1 - image


Surendranagar Sub Jail Overcrowded: સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબજેલ હાલ તેની સ્થાપનાના 120 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. 1905માં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન નિમત આ જેલની ભૌગોલિક સ્થિતિ અને વહીવટી માળખું અત્યારના વધતા જતા ક્રાઈમ રેટ સામે વામણું પૂરવાર થઈ રહ્યું છે. પ્રથમ વખત જેલમાં કેદીઓની સંખ્યા 300ના આંકડાને સ્પર્શી ગઈ છે, જે જેલ પ્રશાસન માટે ખતરાની ઘંટડી સમાન છે.

જેલમાં કેદીની સંખ્યામાં ત્રણ ગણો વધારો

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર સબજેલની સત્તાવાર ક્ષમતા માત્ર 125 કેદીઓની છે, પરંતુ હાલમાં અહીં 13 મહિલાઓ અને 287 પુરુષો સહિત કુલ 300 કેદીઓ સજા કાપી રહ્યા છે. આ સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ ધ્રાંગધ્રા સબજેલમાં ચાલી રહેલું રીનોવેશન કામ છે. ધ્રાંગધ્રા જેલ બંધ થતા ત્યાંના 30થી વધુ કેદીઓને પણ સુરેન્દ્રનગર ખસેડાયા છે. જેલમાં કેદીની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, પરંતુ સુરક્ષા અને વ્યવસ્થા માટેનો સ્ટાફ અત્યંત મર્યાદિત છે. હાલ માત્ર 21 કર્મચારીઓ 300 કેદીઓ પર દેખરેખ રાખી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જેલ અધિક્ષક, સુબેદાર અને હવાલદાર જેવી મુખ્ય વહીવટી જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો પર થશે પ્રવેશ

બે કેદીઓએ શેમ્પુ પીને આપઘાતનો પ્રયાસ કર્યો 

અપૂરતી જગ્યા અને સુવિધાઓના અભાવે કેદીઓ અને જેલ સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટનાઓ બની રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ બે કેદીઓએ શેમ્પુ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલોએ તંત્રને દોડતું કરી દીધું છે. જેલમાં જગ્યાના અભાવે કેન્ટીન કે અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ પણ શક્ય બની રહી નથી.

120 વર્ષમાં ક્યારેકય કામયી મેડિકલ ઓફિસરની નિમણૂક જ ન થઇ

જેલની ગંભીર પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જેલની સ્થાપનાથી આજ દિન સુધી (120 વર્ષમાં) અહીં ક્યારેય કાયમી મેડિકલ ઓફિસર કે ફિમેલ નર્સની નિમણૂક થઈ નથી. સામાન્ય બીમારીમાં પણ કેદીઓને સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે સ્ટાફને દોડધામ કરવી પડે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી સાબિત થઈ શકે છે.

10 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતો સ્ટાફ શંકાના દાયરામાં

જેલના વહીવટમાં બીજી એક મોટી સમસ્યા સ્ટાફની બદલી ન થવાની છે. જેલ સિપાઈ સહિતના 15થી વધુ કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી એક જ જેલમાં ફરજ બજાવી રહ્યા છે. લાંબા સમય સુધી એક જ સ્થળે રહેવાને કારણે કેદીઓ અને સ્ટાફ વચ્ચેના સંબંધો ગાઢ બન્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે જેલમાં ગેરકાયદે વસ્તુઓ કે પ્રતિબંધિત ચીજવસ્તુઓ પહોંચવી સરળ બની જાય છે, જે જેલની શિસ્તને નુકસાન પહોંચાડી રહી છે. તંત્ર દ્વારા આ સ્ટાફની તાત્કાલિક બદલી કરી નવા લોહીને સ્થાન આપવું અનિવાર્ય બન્યું છે.

નવી જેલના નિર્માણની તજવીજ

જેલની વણસતી જતી સ્થિતિનું નિરીક્ષણ કરવા એએસપી વેદિકા બિહાની, એલસીબી અને એસઓજી સહિતના કાફલાએ જેલની મુલાકાત લીધી હતી. 125ની ક્ષમતા સામે 300 કેદીઓનો આંકડો જોઈ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે હવે બાકરથળી રોડ ઉપર નવી આધુનિક જેલ બનાવવા માટેની તજવીજ તેજ કરવામાં આવી છે. પોલીસ વિભાગ હાલમાં ન્યુસન્સ ફેલાવતા કેદીઓને અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી રહ્યું છે જેથી જેલની સુરક્ષા જળવાઈ રહે.