Get The App

વિરમગામના મોટા ગોરૈયા ગામે ભરાતો રાંદલ માતાજીનો અનોખો મેળો

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામના મોટા ગોરૈયા ગામે ભરાતો રાંદલ માતાજીનો અનોખો મેળો 1 - image


- એક સાથે 23 રાંદલમાના મઠ નીકળતા ભક્તિમય વાતાવરણ

- પાટડી દરબારે ઢોલ બંધ રાખી માતમ મનાવવા ફરમાન કર્યું, માતાજીએ પરચો આપતા બે ઢોલ વગાડવાનું કહ્યાની વાયકા

અમદાવાદ : વિરમગામતાલુકાના મોટા ગોરૈયાગામે ભાદરવા માસના પ્રથમ સોમવારે રાંદલમાનો અનોખો મેળો ભરાય છે. જેમાં દળવાના દાતાર મા રાંદલની માનતા પુરી કરવા ભાદરવા માસના પ્રથમ રવિવારે ગામના પટેલ, નાડોદા રાજપૂત, રાજપૂત, દલવાડી, હરીજન વગેરે ગામની દરેક જ્ઞાતિઓના લોકોના ઘરે રાંદલમા તેડવામાં આવે છે. સોમવારે સાવરે દરેક મહોલ્લાઓ, શેરીઓમાં રાંદલમાના મઠ સાથે ઉપાડી એક સાથે ગામની બહાર આવેલા ભવાની માના મંદિરે વિસર્જન કરવામાં આવે છે.

મેળામાં આજથી ૮૦ વર્ષ પહેલા ગોરૈયા ગામ પાટી સ્ટેટમાં આવતું હતું ત્યારે પાટડી દરબારના પુત્રનું અવસાન થતા અને બીજે દિવસે રાંદલમાનો સોમવાર હોવાથી ઢોલના તાલે ગરબા ગાતા ૧ કિ.મી. દુર આવેલા ભવાની માના મંદિરે જવાનું હતું. પાટડી દરબારે ઢોલ બંધ રાખી માતમ મનાવવાનું કહેણ મોકલતા માતાજીએ પરચો આપ્યો હતો. જેથી પાટડી દરબારે એકના બદલે બે ઢોલ વગાડવાનું કહેલ ત્યારથી બે ઢોલ સાથે ગામલોકો નીકળતા હોવાની વાયકા છે. સોમવારે એક સાથે ૨૩ જેટલા રાંદલમાના મઠ ગામમાંથી નીકળતા ગામ આખુ માઇભકત બની ગયું હતું.

જેમાં દુરદુરથી ગામોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને મનોકામના પુર્ણ કરવા ગોરૈયાગામ આવે છે અને દિવસે ગામ બહાર ભવ્ય મેળો પણ ભરાય છે અને શ્રદ્ધાળુઓ દર્શન સાથે મેળાનો આનંદ માણે છે.

Tags :