જામનગરની સીદી બાદશાહ જમાતનો વિવાદ ઉગ્ર બન્યો, હોદ્દેદારના મોપેડને સળગાવી નાંખ્યું, નોંધાઈ ફરિયાદ
Sidi Badshah Jamaat Clash: જામનગરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં શહેરની સીદી બાદશાહ ચૂંટણીના વિવાદે હિંસાત્મક સ્વરૂપ લઈ લીધું હતું. સોમવારે (21 જુલાઈ) જમાતના એક હોદ્દેદાર તૌસીફભાઈનું સ્કૂટર સળગાવી નાંખવા અંગે જમાતથી દૂર કરાયેલા હોદ્દદાર અને તેના પરિવારની બે મહિલાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, શહેરમાં નાગનાથ નાકા બહાર નેશનલ સોસાયટીમાં રહેતા અને મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા તોશીફ હબીબ મિયાના ઘર પાસે રાખેલું પોતાનું સ્કૂટર સોમવારે મોડી રાત્રે સળગાવી દેવામાં આવ્યું હતું. ચૂંટણી વિવાદની અદાવત રાખીને સ્કૂટર પર આગ ચાંપી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને સ્કૂટરના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
આ પણ વાંચોઃ મહેસાણા નજીક ખેરાલુ-સતલાસણા હાઈવે પર દર્દનાક અકસ્માત: પિતા-પુત્રનું મોત, 5 ઇજાગ્રસ્ત
પોલીસે દાખલ કરી ફરિયાદ
પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી સ્કૂટર સળગાવવા અંગે સમીર ઉર્ફે મુન્નીયો ઇસ્માઇલ વગીન્ડા તેમજ નમીરા ફરદીન વગીન્ડા અને ઈરમ નામના શખસ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ અનુસાર સીદી બાદશાહ જમાતની છેલ્લી ચૂંટણીમાં ફરિયાદી તૌસીફભાઈ ચૂંટાયા હતા અને ત્હોમતદાર સમીર ઉર્ફે મુન્નીયાને જમાતે હોદ્દા પરથી ઉતારી દીધા હોવાના ખારના કારણે અદાવત રાખી આ કૃત્ય કરવામાં આવ્યું હતું.