Get The App

મહેસાણા નજીક ખેરાલુ-સતલાસણા હાઈવે પર દર્દનાક અકસ્માત: પિતા-પુત્રનું મોત, 5 ઇજાગ્રસ્ત

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
મહેસાણા નજીક ખેરાલુ-સતલાસણા હાઈવે પર દર્દનાક અકસ્માત: પિતા-પુત્રનું મોત, 5 ઇજાગ્રસ્ત 1 - image


Mehsana Accident:  મહેસાણા જિલ્લામાં ખેરાલુ-સતલાસણા હાઈવે પર તારંગા નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી રાજપીપળા જઈ રહેલી એસટી બસ અને ઈકો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈકોમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. મૃતકો પિતા-પુત્ર હોવાનું જાણવા મળ્યું છે, જોકે તેમની ઓળખ હજુ સુધી થઈ નથી.

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત કયા કારણોસર થયો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


Tags :