તળાજામાં કારમાં ગૂંગળાઈ જતાં ભાઈ-બહેનના મોત, માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો
Bhavnagar News : ભાવનગરના તળાજાથી માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં તળાજામાં કારમાં રમી રહેલા બે સગા ભાઈ-બહેનના ગૂંગળામણના કારણે કરૂણ મોત નીપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. કાર લોક થઈ જતાં 4 અને 6 વર્ષના બાળકો ફસાયા હતા.
કારમાં ગૂંગળામણના કારણે ભાઈ-બહેનના મોત
મળતી માહિતી મુજબ, તળાજાના પાવઠી ગામના દિપકભાઈ સોઢાતરના બે બાળકો તન્વી (ઉં.વ. 6) અને હિત (ઉં.વ. 4) સગા ભાઈ-બહેન કારમાં રમી રહ્યા હતા. આ દરમિયાન કારમાં અચાનક ઓટોમેટિક લોક સિસ્ટમ એક્ટિવ થતાં બંને ભાઈ-બહેન તેમાં ફસાય જાય છે. જ્યારે બપોરથી સાંજનો સમય થયો હોવા છતાં બાળકો ન દેખાતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી.
ત્યારબાદ પરિવારે પોતાના ઘરની આગળ પાર્ક કરેલી કારમાં જોતાં બંને બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેને લઈને પરિવારે તાત્કાલિક બંનેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટરે બંને ભાઈ-બહેનને મોત જાહેર કર્યા હતા.