Get The App

ખાનગી ટ્યુશન ચલાવતા 10 શાળાના શિક્ષકો પર મોટી કાર્યવાહી, કોચિંગ ક્લાસ ચલાવતા સરકારી અધિકારીઓ પર ક્યારે?

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
ખાનગી ટ્યુશન ચલાવતા 10 શાળાના શિક્ષકો પર મોટી કાર્યવાહી, કોચિંગ ક્લાસ ચલાવતા સરકારી અધિકારીઓ પર ક્યારે? 1 - image
Meta AI Image

Gandhinagar News : ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વધતા જતા ખાનગીકરણ વચ્ચે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો દ્વારા ચાલતા ટ્યુશન ક્લાસીસ અને સરકારી અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતી કોચિંગ એકેડેમીઓ પર રાજ્ય સરકાર આકરી થઈ રહી છે. આ અંતર્ગત હાલમાં જ અમદાવાદમાં ખાનગી ટ્યુશન ચલાવતા 10 શાળાના લગભગ 20 શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ હજુ એક મુદ્દો એ પણ તપાસનો વિષય બન્યો છે કે, ગાંધીનગરમાં પણ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી પરીક્ષાની તૈયારી કરાવનારી કોચિંગ એકેડેમી ચલાવી રહ્યા છે. જો કે તેમની સામે કાર્યવાહી ક્યારે કરાશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની કાર્યવાહી અને તપાસ થઈ હતી. જેમાં કેટલીક એકેડેમીના સંચાલકોએ ક્લાસ ચલાવવા માટે સરકારી નોકરી છોડવાનું પસંદ કર્યુ હતું. જો કે માહિતી મળી રહી છે કે હજુય એવી ઘણી એકેડેમી છે જેમાં સરકારી અધિકારીઓ બિન્દાસ્ત ગાંધીનગરમાં એકેડેમી ચલાવે છે અને સોશ્યલ મીડિયા પર પણ સુપર એક્ટિવ રહે છે.

અમદાવાદમાં સરકારી શિક્ષકો પર DEOની કાર્યવાહી

અમદાવાદમાં કેટલીક શાળાના શિક્ષકો ખાનગી કોચિંગ ક્લાસ ચલાવતા હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને મળી હતી. ટ્યુશન ક્લાસ એસોસિએશને સ્કૂલ અને શિક્ષકના નામ સાથે DEOને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ શિક્ષકો વિદ્યાર્થીઓ પર તેમના ટ્યુશન ક્લાસમાં આવવા માટે દબાણ કરતા હતા. આ ફરિયાદને ગંભીરતાથી લઈ DEOએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને સંબંધિત શાળાઓને નોટિસ ફટકારી હતી. કારણ કે સરકારી નિયમો અનુસાર, સરકારી કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો  ખાનગી ટ્યુશન કે કોચિંગ ક્લાસ ચલાવી શકતા નથી. DEOની નોટિસ બાદ વિવિધ છ જેટલી સ્કૂલ સંચાલકોએ 20 જેટલા શિક્ષકોને છૂટા કરી દીધા છે. આગામી સમયમાં આ કાર્યવાહી હેઠળ વધુ શિક્ષકો પર પગલા લેવાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: જામનગરમાં ભણવા આવેલા બાળકોને શાળામાં જ મજૂરીકામે લગાડાયા, શિક્ષકો-આચાર્ય સામે ઉઠ્યા સવાલ

ગાંધીનગરમાં સરકારી અધિકારીઓની એકેડેમી પર તપાસ ક્યારે?

બીજી તરફ, ગાંધીનગરમાં પણ સરકારી અધિકારીઓ દ્વારા પોતાની ફરજની સાથે-સાથે ખાનગી શૈક્ષણિક એકેડેમી ચલાવવામાં આવી રહી હોવાના અહેવાલો મળ્યા છે. આ અધિકારીઓ તેમની એકેડેમીના પ્રમોશન માટે સોશિયલ મીડિયા પર પોતાના ભાષણો અને વીડિયો મૂકી વિદ્યાર્થીઓને આકર્ષવાનો પ્રયાસ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે સરકારી શિક્ષકોની માફક આ સરકારી અધિકારીઓ પર ક્યારે પગલાં લેવાશે. જો તપાસમાં આક્ષેપો સાચા ઠરશે તો શું સરકાર સંબંધિત અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરેશે ખરી, અને કરસે તો ક્યારે કરશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે.

Tags :