- ગટરની સફાઇ હાથ ધરી કુંડી પર ઢાંકા મુકવા માંગ
- કુંડીમાં ઢાંકણાના અભાવે કચરો અંદર જતાં અવરનવાર દૂષિત પાણી રસ્તા પર રેલાયા છે
બગોદરા : બાવળા શહેરમાં કુંભારવાસના નાકેથી લઈ ટાવર ચોક બજાર સુધીના મુખ્ય માર્ગો પર ગટરોની કૂંડીમાં ઢાંકણાના અભાવે દૂષિત પાણી ઉભરાવાની સમસ્યા કાયમી બની છે. દૂષિત પાણી રસ્તા પર રેલાતા જાહેર માર્ગો પરથી પસાર થતાં રાહદારીઓ અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
?સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગટરો પર ઢાંકણા ન હોવાથી બહારનો કચરો સીધો ગટરોમાં જાય છે. આ કચરાના કારણે ગટરો અવારનવાર ભરાઈ જાય છે અને પરિણામે ગંદુ પાણી ઉભરાઈને રસ્તા પર આવી જાય છે. ?આ વિસ્તારમાંથી સફાઈ કર્મચારીઓ નિયમિતપણે પસાર થાય છે, પણ યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવતી નથી, તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને ગટરો પર ઢાંકણા મૂકીને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.


