અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર
Ahmedabad News : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ 10માં ધોરણના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનાના સમગ્ર દેશમાં પડઘાં પડ્યા છે અને આ મામલો સતત જોર પકડી રહ્યો છે. ત્યારે હવે વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા 'સ્કૂલ સેફ્ટી પોલિસી 2016' અંતર્ગત શાળાઓને એક પરિપત્ર જારી કરાયો છે.
આ પરિપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. DEOએ તમામ શાળાઓને પરિપત્રનું કડક પાલન કરવા અને બાળકોના જીવન સાથે બેદરકારી ન દાખવવા માટે ભારપૂર્વક જણાવ્યું છે. આ પરિપત્ર મુજબ, દરેક શાળામાં 'શિસ્ત સમિતિ'ની રચના કરવા માટે સૂચના આપવામાં આવી છે, જેમાં આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સમિતિનો હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્ત જાળવવાનો રહેશે. આ નિયમનો હેતુ એ છે કે આવા બનાવોને તરત જ નોંધી શકાય અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ પરિપત્ર માત્ર એક કાગળનો ટુકડો નથી, પરંતુ શાળાઓ માટે એક ગંભીર ચેતવણી છે કે બાળકોની સુરક્ષા એ તેમની પ્રથમ અને મુખ્ય પ્રાથમિકતા હોવી જોઈએ.
પરિપત્રમાં શું-શું જણાવાયું?
- દરેક શાળામાં 'શિસ્ત સમિતિ'ની રચના કરવા માટે સૂચના
- સમિતિનો હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્ત જાળવવાનો રહેશે
- જો શાળામાં કોઈ અસાધારણ કે અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી શાળા સંચાલકોની રહેશે.
- આવી કોઈ પણ ઘટના બને તો તેની જાણ તાત્કાલિક DEO કચેરીને કરવાની રહેશે.
- વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા ન બેસી રહે.
આ પણ વાંચો: આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી એરિયર્સ સાથે વેતન ચૂકવવાનો ગુજરાત HCનો આદેશ
બીજી તરફ, આ દુર્ઘટના અને વાલીઓના ભારે રોષ બાદ સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ એક નોટિસ જારી કરી છે. વાલીઓએ શાળામાં તોડફોડ કરી હોવાથી અને પરિસ્થિતિ તંગ હોવાથી શાળાએ બે દિવસ એટલે કે 21 અને 22 ઓગસ્ટે શાળા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.