Get The App

નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતાં ગુજરાતના સાત મુસાફરો દુબઈથી ડિપોર્ટ, મુંબઈમાં લેન્ડ થતાં ધરપકડ

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતાં ગુજરાતના સાત મુસાફરો દુબઈથી ડિપોર્ટ, મુંબઈમાં લેન્ડ થતાં ધરપકડ 1 - image
Images Sourse: envato

Visa Falsa: નકલી શેંગેન વિઝાની મદદથી દુબઈ થઈને લક્ઝમબર્ગ જઈ રહેલા ગુજરાતના સાત પ્રવાસીઓને દુબઈ એરપોર્ટ પર ઈમીગ્રેશન દ્વારા અટકાયત બાદ ડિપોર્ટ કરી દેવાયા હતા. મુંબઈ આવી પહોંચેલા આ પ્રવાસીઓની મુંબઈ એરપોર્ટથી જ ધરપકડ કરવામાં આવી હતી. ટૂરિસ્ટ તરીકે લક્ઝમબર્ગમાં પ્રવેશી બાદમાં રોજગારી મેળવવાના ઈરાદાથી આ યાત્રીઓ નીકળ્યા હતા.

એજન્ટે લક્ઝમબર્ગ પહોંચ્યા પછી નોકરી મળી જશે તેવું વચન આપેલું

મળતી માહિતી અનુસાર, ગુજરાતના કિશન નામના એજન્ટે આ સમગ્ર કારસો ઘડ્યો હતો. આ લોકોને ટુરિસ્ટ વિઝા અને નકલી શેંગેન વિઝા બનાવી આપવામાં આવ્યા હતા. તેમ જ એજન્ટે તેમને યુરોપિયન દેશોમાં મુસાફરી કરવા અને સ્થાયી થવા માટે વિગતો પૂરી પાડી હતી, તેવું આ લોકોએ પોલીસને જણાવ્યું હતું. સહાર પોલીસ હવે આ લોકોને નકલી વિઝા બનાવી આપનાર એજન્ટ કિશનને શોધી રહી છે.

આ પણ વાંચો: ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર આખા વિશ્વ માટે ફાયદાકારક: જયશંકર

શુક્રવારે (11મી જુલાઈ) રાત્રે ઈમીગ્રેશન અધિકારી વિષ્ણુ સાવંત મુંબઈ એરપોર્ટ પર પ્રવાસીઓના એરાઈવલ (આગમન)નું નિરીક્ષણ કરી રહ્યા હતા.આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે દુબઈ ઈમિગ્રેશન દ્વારા વિઝા ફલેગ કર્યા વિના સાત વ્યક્તિઓને દુબઈથી ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં આવ્યા છે. આ પ્રવાસીઓને તરત જ અટકમાં લઈ ત્યારબાદ આ ઈન્ચાર્જ સૂરજ યાદવ અને મોનિલ કૌશિકને સોંપવામાં આવ્યા હતા. આ લોકોની વધુ પૂછપરછ અને તપાસમાં ઈમિગ્રેશન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે તેમના લકઝમબર્ગ માટેના શેંગેન એમ્પ્લોયમેન્ટવિઝા નકલી હતા. એજન્ટે તેમને એમ કહીને ભરમાવ્યા હતા કે આ વિઝાના આધારે તેઓ લક્ઝમબર્ગમાં પ્રવેશી ગયા બાદ આ શેંગેન વિઝા માન્ય હોય તેવા 29 દેશોમાંથી કોઈપણ દેશમાં જઈ આવી શકશે અને ત્યાં નોકરકી રોજગાર શોધી શકશે.

પોલીસે એરલાઈન્સ લાયસન્સિંગ એજન્સીને ઈ-મેલ કર્યા પછી પુષ્ટિ થઈ હતી કે આ સાતેય વ્યક્તિઓને લકઝમબર્ગ સત્તાવાળાઓ દ્વારા વિઝા આપવામાં આવ્યા નથી. પોલીસે આ તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદના યાત્રીઓ ઝડપાયા 

સહાર પોલીસે ધરપકડ કરાયેલા સાત વ્યક્તિઓમાં કૌશિકકુમાર પટેલ (ગાંધીનગર), અર્થકુમાર પટેલ (મહેસાણા), મહર્ષિ પટેલ (મહેસાણા), પૃથ્વીરાજગીરી ગોસ્વામી (મહેસાણા), ભાર્ગવ  જોશી (મહેસાણા), કુણાલકુમાર પ્રજાપતિ (અમદાવાદ), મોહમ્મદ જૈદ હુસૈનખાન પઠાણ (મહેસાણા)નો સમાવેશ થાય છે.

Tags :