ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર આખા વિશ્વ માટે ફાયદાકારક : જયશંકર
- ભારતે ચીન માટેનો દ્રષ્ટિકોણ બદલ્યો : કુંણુ વલણ
- ગ્લોબલ સાઉથના અત્યંત મહત્ત્વના સભ્ય ડ્રેગન અને હાથી બંને એકબીજાના પૂરક બને : ચીનના ઉપપ્રમુખ ઝેંગ
- ગલવાન પછી પાંચ વર્ષે જયશંકર ચીનની મુલાકાતે
બૈજિંગ : ચીનના પ્રવાસે ગયેલા ભારતીય વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત અને ચીન વચ્ચેનો મુક્ત વેપાર ફક્ત બંને દેશ માટે જ નહીં આખા વિશ્વ માટે ફાયદાકારક છે. તેમણે વેપાર અવરોધ હટાવવા અને બંને દેશના લોકોનો એકબીજા સાથે મેળમિલાપ વધારવા પર ભાર મૂક્યો. તેમણે ચીનના ઉપરાષ્ટ્રપતિ ઝેંગ અને વિદેશ પ્રધાન વાંગ યી સાથે બેઠક કરી હતી.
જયશંકરે જણાવ્યું હતું કે બંને દેશે એકબીજા સાથે વેપાર કરવા દરમિયાન પ્રતિબંધો ન લગાવવા જોઈએ. તેનાથી બંનેને નુકસાન થશે. બંને દેશ વચ્ચેના સારા સંબંધ ફક્ત બંને દેશ માટે જ નહીં આખા વિશ્વ માટે જરુરી છે. છેલ્લા નવ મહિના દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધમાં નોંધપાત્ર સુધારો થયો છે.
ચીનના વાઇસ પ્રેસિડેનટ્ ઝેંગે જણાવ્યું હતું કે ડ્રેગન અને હાથી એકસાથે આવી જાય તો બંને દેશ જબરદસ્ત વિકાસ સાધી શકે છે. બંને દેશ ગ્લોબલ સાઉથના મહત્ત્વના સભ્ય છે. બંને દેશ એકબીજાના વિકાસમાં એકબીજાને મદદ કરી શકે છે.
વિદેશપ્રધાન એસ જયશંકર સિંગાપોર અને ચીનના ત્રણ દિવસના પ્રવાસે છે. જયશંકર ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના એક સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. લડાખ અને ગલવાનમાં ૨૦૨૦માં થયેલી અથડામણ પછી જયશંકરે ચીનનો ખેડેલો પ્રથમ પ્રવાસ છે.
જયશંકરે ચીનના વાઇસ પ્રેસિડેન્ટ હાન જેંગ સાથે મુલાકાત કરી. તેમણે આ મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારત અને ચીને ખુલ્લા વિચારો અને અનુભવોનું શેરિંગ કરવું જોઈએ. તેમની મુલાકાત પહેલાં ભારતના ચીની દૂતાવાસે તિબેટ સંલગ્ન મુદ્દાઓને ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં મોટો અવરોધ ગણાવ્યો હતો.
ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એસસીઓના વિદેશ પ્રધાનોની બેઠક ૧૫ જુલાઈએ યોજાશે. તેમા કહેવામાં આવ્યું હતું કે મંત્રીઓ જુદાં-જુદાં ક્ષેત્રોમાં એસસીઓના સહયોગ અને તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ પ્રાદેશિક સ્તરે મહત્ત્વના મુદ્દા પર આદાનપ્રદાન કરશે. એસસીઓમાં સામેલ દસ સભ્યોમાં ચીન, રશિયા, ભારત, ઇરાન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને બેલારૂસનો સમાવેશ થાય છે.
જયશંકરના આ પ્રવાસને ભારત અને ચીન બંને વચ્ચે સંબંધો સામાન્ય બનાવવાની પ્રક્રિયા, ઓટોમોબાઇલ સહિત ઘણા ઉત્પાદનોના નિર્માણ માટે દુર્લભ ધાતુઓ પર ચીનનો પ્રતિબંધ હટાવવા સહિત ઘણા મુદ્દા પર વાતચીત થવાની આશા છે. છેલ્લા કેટલાક મહિનાથી બંને દેશ વચ્ચે સંબંધ સુધારવાના પ્રયત્નો શરૂ થયા છે. તેમણે હાન ઝેંગ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે આપણા આપણા રાજ્દ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠ મનાવી છે. તેમણે જણાવ્યું હતું કે આજે આપણે જે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં મળી રહ્યા છીએ તે જટિલ છે. પડોશી તરીકે અને વિશ્વના અગ્રણી ઇકોનોમી તરીકે ભારત અને ચીન વચ્ચેના વિચારો તથા દ્રષ્ટિકોણનું ખુલ્લુ આદાનપ્રદાન મહત્ત્વનું છે.