જામનગરમાં ઝુલુસ દરમિયાન 'સર તન સે જુદા' ના નારા લગાવનારા તમામ સાત આરોપીઓની ધરપકડ : બે દિવસના રિમાન્ડ પર

Jamnagar News: જામનગર શહેરમાં ઈદે મિલાદના તહેવારના ઝુલુસમાં દરબારગઢ વિસ્તારમાં કેટલાક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે 'સર તન સે જૂદા' કરી દેવાનો નારો લગાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે સુલેહ શાંતિના ભંગ બદલ સાત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર મામલે પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને બે દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે.
'સર તન સે જુદા' ના નારા લગાવનારા સાત આરોપીની ધરપકડ
જામનગર શહેરમાં ગત ઈદે મીલાદના તહેવારમાં નીકળેલા ઝુલુસ દરબારગઢ સર્કલ તેમજ બર્ધન ચોકના અમુક શખ્સો અલગ-અલગ ડિઝાઈનના ઝંડા લઈ ફરકાવાની સાથે જનૂની નારામાં 'સર તને સે જૂદા' કરી દેવાનો ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરીને કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું.
સમગ્ર મામલે દરબારગઢ પોલીસ ચોકીના PSIએ ખુદ ફરિયાદી બનીને 7 આરોપીઓમાં મોહસીનખાન સલીમખાનુ પઠાણ, બિલાલ હાસમભાઈ નોંયડા, ઈમરાન સીદીકભાઈ કુરેશી, હારુનભાઈ કુરેશી, સાહિલ નોયડા, અલ્તાફ શેખ, સાહિલ કુરેશી, યુનુસ બહાઉદિનભાઈ બેલીમ સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસે તમામ આરોપીઓની ઓળખ કરીને ધરપકડ કરી હતી અને જામનગરની કોર્ટ સમક્ષ રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા તમામના મોબાઇલ ફોન કબજે કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.